RAJKOT:રાજકોટ રેન્જ ટીમે: ગુજસીટોકના ગુનામાં ફરાર કુખ્યાત ઈનામી આરોપી અલી ડફેરને ઝડપી લીઘો

ગેડીયા ગેંગના સાગરીત અલી નથુ ડફેરની ધરપકડ: લૂંટ, ધાડ અને ચોરી સહિત ૫૫થી વધુ ગુનાઓમાં હતો સંડોવાયેલો

રાજકોટ :સુરેન્દ્રનગર સહિત વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ધાડ, પોલીસ પર હુમલો, ચોરી અને ફાયરિંગ જેવા ૫૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આંતર-જિલ્લા ગેડીયા ગેંગના કુખ્યાત સાગરીત અલી નથુભાઈ લાડક ડફેરને રાજકોટ રેન્જ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ગુજસીટોક (GUJCTOC) હેઠળ જેલમાં બંધ હતો અને પેરોલ રજા મેળવ્યા બાદ તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૨થી ફરાર થઈ ગયો હતો.
રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા નાસતા-ફરતા ૨૯ ગુનેગારોને પકડવા માટે ઈનામ જાહેર કરી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય. ઉધાસ, પી.સી. સરતેજા અને સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરાઈ હતી.
પોલીસ ધરપકડથી બચવા આરોપી અલી નથુ ડફેર જંગલ, વાડી અને સીમ વિસ્તારોમાં સતત રહેઠાણ બદલીને છુપાઈ રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમે તેને ગોબર તળાવની પાળ પાસેથી ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે લખતર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

આરોપી સામે સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ચોરી, લૂંટ અને હત્યાના પ્રયાસ સહિતના ૫૫થી વધુ જૂના ગુનાઓ નોંધાયેલા છે. પેરોલ જમ્પ કર્યા બાદ પણ તેણે સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૪ નવા ગુનાઓ આચર્યા હતા. આમ, પેરોલ બાદના ૪ ગુનાઓ અને અગાઉના ૨ ગુનાઓ મળી કુલ ૬ કેસોમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતો.









