
સમીર પટેલ, ભરૂચ

દિવાળીમાં પણ ફરજને પ્રાથમિકતા આપતા 108 ના કર્મચારીઓ
ભરૂચવાસીઓની સુરક્ષા અને જીવનરક્ષા માટે 108 અને 112ની ટીમ 24 કલાક સજ્જ!
તહેવારોમાં ઇમરજન્સીનો સામનો કરવા 34 એમ્બ્યુલન્સ અને 35 જનરક્ષક PCR વાન સાથે 190થી વધુ કર્મચારીઓ ખડેપગે – દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા
ભરૂચ: દિવાળીના પર્વે જ્યારે સમગ્ર ગુજરાત પોતાના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ માણી રહ્યું હશે, ત્યારે ભરૂચ જિલ્લાના નાગરિકોની સુરક્ષા, સલામતી અને જીવનરક્ષા માટે 108 ઇમરજન્સી સેવા અને 112 જનરક્ષક સેવા દિવસ-રાત ખડેપગે રહેશે. તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી, માર્ગ અકસ્માત, આગની ઘટના કે અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે બંને સેવાઓ દ્વારા વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાની 34 એમ્બ્યુલન્સમાં 100થી વધુ કર્મચારીઓ સતત ઇમરજન્સી પ્રતિસાદ માટે તૈયાર રહેશે. સામાન્ય દિવસોમાં જિલ્લામાં દરરોજ સરેરાશ 100થી 108 જેટલી ઇમરજન્સી નોંધાય છે, જ્યારે દિવાળીના તહેવારો દરમિયાન ઇમરજન્સીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
તહેવારોમાં 108 ઇમરજન્સીના કેસોમાં સંભવિત વધારો
સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારો દરમિયાન 108 ઇમરજન્સી સેવાના સંભવિત આંકડા નીચે મુજબ છે:
– દિવાળી: અંદાજે 130 ઇમરજન્સી – 19થી 20 ટકાનો વધારો.
– નૂતન વર્ષ: અંદાજે 137થી 140 ઇમરજન્સી – 26થી 27 ટકાનો વધારો.
– ભાઈબીજ: અંદાજે 131થી 135 ઇમરજન્સી – 21થી 22 ટકાનો વધારો.
ઇમરજન્સીના સંભવિત વધારાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના તમામ સુપરવાઇઝર સહિત સંબંધિત કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેથી દરેક કર્મચારી પોતાના ફરજ સ્થળે હાજર રહી કોઈપણ ઇમરજન્સીને સમયસર પ્રતિસાદ આપી શકે અને નાગરિકોને તાત્કાલિક જીવનરક્ષક સેવા પૂરી પાડી શકાય.
112 જનરક્ષક સેવાની 35 PCR વાન પણ સુરક્ષા માટે તૈનાત
108 ઇમરજન્સી સેવાની સાથે 112 જનરક્ષક પોલીસ સેવા પણ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સંપૂર્ણ સજ્જ છે. ભરૂચ જિલ્લામાં 35 જેટલી 112 જનરક્ષક PCR વાન અને અંદાજે 90 કર્મચારીઓ સાથે સતત પેટ્રોલિંગ અને ઇમરજન્સી પ્રતિસાદની કામગીરી કરવામાં આવશે.
હાલમાં 112 જનરક્ષક સેવામાં દરરોજ સરેરાશ 70 જેટલી ઇમરજન્સી નોંધાય છે. દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન તહેવારોની ભીડ, વાહનવ્યવહાર અને જાહેર સ્થળોએ વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીના કેસોમાં વધારો થવાની શક્યતા છે.
112 જનરક્ષક સેવામાં તહેવાર દરમિયાન સંભવિત વધારાના ઇમરજન્સી કેસો નીચે મુજબ છે:
– દિવાળી: સામાન્ય દિવસોની સરખામણીએ અંદાજે 96 જેટલી વધારાની ઇમરજન્સી નોંધાવાની શક્યતા.
– નૂતન વર્ષ: અંદાજે 60 જેટલી વધારાની ઇમરજન્સી નોંધાવાની શક્યતા.
– ભાઈબીજ: અંદાજે 40 જેટલી વધારાની ઇમરજન્સી નોંધાવાની શક્યતા.
આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે 112 જનરક્ષક સેવાની તમામ PCR વાન અને કર્મચારીઓને સતર્ક રાખવામાં આવશે, જેથી કોઈપણ સુરક્ષા સંબંધિત ઘટનામાં તાત્કાલિક પોલીસ સહાય અને પ્રતિસાદ ઉપલબ્ધ થઈ શકે.
નાગરિકોને ખાસ અપીલ
દિવાળીના તહેવારો દરમિયાન વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ફટાકડાં ફોડતી વખતે સાવચેતી રાખવી, આગથી બચવાના જરૂરી પગલાં લેવા અને કોઈપણ પ્રકારની મેડિકલ કે સુરક્ષા સંબંધિત ઇમરજન્સી ઊભી થાય ત્યારે તાત્કાલિક 108 અથવા 112નો સંપર્ક કરવો.
લોકોની ખુશીઓ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે 108 ઇમરજન્સી સેવા અને 112 જનરક્ષક સેવા દિવાળીના તહેવારોમાં પણ ચોવીસ કલાક નાગરિકોની પડખે ઊભી રહેશે. પોતાની દિવાળી પરિવારથી દૂર રહીને પણ લોકોની સેવા અને સુરક્ષા માટે ફરજ નિભાવતા તમામ કર્મચારીઓની કામગીરી ખરેખર પ્રશંસનીય છે.
આ અંગેની માહિતી ભરૂચ-નર્મદા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા જિલ્લા સુપરવાઇઝર હનીફભાઈ, જીતેન્દ્રભાઈ અને દિલીપભાઈ દ્વારા આપવામાં આવી હતી.
108 – દરેક શ્વાસની સુરક્ષા, 112 – દરેક નાગરિકની રક્ષા; તહેવાર હોય કે મુશ્કેલી, ભરૂચની જનતા સાથે 108 અને 112 હંમેશાં ખડેપગે!









