MORBI:મોરબીના વીસીપરામાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ૬ ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

મોરબી:શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં એક જ રાતમાં એક સાથે છ ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતાં સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા ચોર ઈસમો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

ઘટનાની વિગતો અનુસાર, વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર શેરી નં.૧, રોહિદાસપરામાં ગત તા. ૧૨ સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. ઘર આંગણે પાર્ક કરેલા અલગ-અલગ છ ટ્રેક્ટરોમાંથી તસ્કરોએ પ્લાનિંગ સાથે બેટરીઓ કાઢી લીધી હતી. ચોરી થયેલી આ તમામ વિવિધ કંપનીની બેટરીઓની કુલ કિંમત અંદાજે ₹૪૨,૦૦૦ આંકવામાં આવી છે.
સવારે વાહનમાલિકોને બેટરી ગાયબ હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે સ્થાનિક રહીશ ધર્મેશભાઈ દેવજીભાઈ ઉર્ફે સુખાભાઈ મકવાણા (ઉં.વ. ૩૬) દ્વારા મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









