નર્મદા : નવરાત્રિના રંગે રંગાયેલા ગરબા સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે સજ્જ નર્મદાની 181 અભયમ ટીમ

રાજપીપળાના બાલક બાલિકા મહોત્સવ હિરા ફળિયા ખાતે 181 અભયમની ટીમે મહિલાઓ અને યુવતીઓને સુરક્ષા જાગૃત કરી મુશ્કેલીના સમયે 181નો સંપર્ક કરવા સમજ આપી
રાજપીપલા : જુનેદ ખત્રી
નવરાત્રિના પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે અને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર સહાય મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વિવિધ ગરબા સ્થળોએ વિશેષ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત રાજપીપળા ના બાલક-બાલિકા ગરબા મહોત્સવ હિરા ફળિયા ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમની 181 અભયમની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓ, યુવતીઓ અને ખેલૈયાઓ સાથે સીધો સંવાદ સાધી મહિલા સુરક્ષા, વ્યક્તિગત સલામતી તથા મુશ્કેલીના સમયે મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
181 અભયમની ટીમ દ્વારા મહિલાઓ અને યુવતીઓને ગરબા દરમિયાન છેડતી, અયોગ્ય સ્પર્શ, અશોભનીય ટિપ્પણી, અપશબ્દો, પીછો કરવો, ધમકી આપવી કે અન્ય કોઈપણ પ્રકારની હેરાનગતિ જેવી પરિસ્થિતિઓથી સાવચેત રહેવા સમજાવવામાં આવે છે. આવી કોઈ ઘટના બને તો ગભરાયા વિના પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા, નજીકના સુરક્ષાકર્મી અથવા પોલીસની મદદ લેવા તથા જરૂરિયાત મુજબ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
નવરાત્રિ દરમિયાન ગરબાના કાર્યક્રમો મોડી રાત સુધી ચાલતા હોવાથી મહિલાઓને વિશ્વાસુ વ્યક્તિઓ સાથે આવવા-જવા, પરિવારજનોને પોતાના સ્થળ અને આવવા-જવાના સમયની જાણ કરવા, મોબાઇલ ફોન ચાર્જ રાખવા તથા શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત અને પ્રકાશિત માર્ગનો ઉપયોગ કરવા સમજાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ પીછો કરતી હોય અથવા અસુરક્ષિત અનુભવ થાય તો એકાંત સ્થળે જવાને બદલે લોકોની અવરજવરવાળા સુરક્ષિત સ્થળે પહોંચીને તાત્કાલિક મદદ મેળવવા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલાઓને હેલ્પલાઇનની સેવાઓ વિશે માહિતગાર કરે છે. ઘરેલું હિંસા, માનસિક કે શારીરિક હેરાનગતિ, છેડતી, ધમકી અથવા અન્ય મુશ્કેલ પરિસ્થિતિમાં માર્ગદર્શન અને સહાય મેળવવા માટે 181નો સંપર્ક કરી શકાય છે તે અંગે સમજ આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ મહિલાઓની પરિસ્થિતિ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવું અને પરિસ્થિતિ અનુસાર સંબંધિત તંત્રની મદદ મેળવવા માટે માર્ગદર્શન આપવું પણ હેલ્પલાઇનની કામગીરીનો મહત્વપૂર્ણ ભાગ છે.
181 અભયમની ટીમ દ્વારા મહિલાઓને 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન અને તેની ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપી, જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
181 અભયમની આ જાગૃતિ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને યુવતીઓમાં પોતાની સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો, હેલ્પલાઇનની સેવાઓ વિશે માહિતી પહોંચાડવાનો અને મુશ્કેલીના સમયે સંકોચ વિના સહાય મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મહિલા સુરક્ષા સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. મહિલાઓ ભયમુક્ત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે અને જરૂરિયાતના સમયે યોગ્ય સહાય મેળવી શકે તે માટે 181 અભયમની ટીમ સતત પ્રયત્નશીલ છે.









