અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહ-૨૦૨૬ની ઉજવણયોઅંતર્ગત RTI માર્ગદર્શન પરિસંવાદ યોજાયો
રાજ્ય માહિતી કમિશનરશ્રી ભરત ગણાત્રાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ મારફત અધિકારી ઓ તથા કર્મચારી ઓ માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો
RTI પોડકાસ્ટ, પ્રેઝન્ટેશન અને ક્લસ્ટર આધારિત વર્કશોપ જેવા નવા અભિગમ સાથે અધિકારીઓ માટે પ્રશ્નોત્તરી સેશન ઓન યોજાયો

માહિતી અધિકાર (RTI) સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે ૮ ઓકટોબરના રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ’ વિષય પર ખાસ પરિસંવાદ યોજાયો હતો. રાજ્ય માહિતી કમિશનરશ્રી ભરત ગણાત્રાના અધ્યક્ષ સ્થાને પાટણ કલેક્ટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓ એકસાથે જોડાયા હતા. સામાન્ય રીતે RTI સપ્તાહની ઉજવણી રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે થતી હોય છે, પરંતુ આ વર્ષે તમામ સ્ટેકહોલ્ડર્સ સુધી પહોંચવાના હેતુથી ૩ થી ૪ જિલ્લાઓનું ક્લસ્ટર બનાવી વિડીયો કનેક્ટિવિટી મારફત જિલ્લા કક્ષાએ વર્કશોપનું પ્રથમવાર નવતર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની શરૂઆતમાં આઈ.ટી. ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ આર.ટી.આઈ. વિડીયો-પોડકાસ્ટ દર્શાવવામાં આવ્યો હતો, જેણે સહભાગીઓને કાયદાકીય પાસાઓની ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા, પ્રથમ અપીલ સંબંધિત કાર્યવાહી, જાહેર કરી શકાય તેવી તથા મુક્તિ પ્રાપ્ત માહિતી અને સંબંધિત રેકોર્ડની જાળવણી અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલ ખાસ પ્રશ્નોત્તરી સેશનમાં અધિકારીઓએ અરજીઓના નિકાલમાં પડતી વ્યવહારુ મુશ્કેલીઓ અને મૂંઝવણો અંગે મુક્તપણે ચર્ચા કરી હતી, જેનું સ્થળ પર જ યોગ્ય નિરાકરણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશનર એ નાગરિક હિત સર્વોપરી હોવાનું ભારપૂર્વક જણાવીને દરેક અરજદારને સાચી માહિતી સરળતાથી મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદના અંતે આયોગના કાયદા અધિકારી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








