આશીર્વાદનો દીવો


*પાટણ જિલ્લામાં ૫,૬૪,૪૦૦ સ્થળોએ ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી સેવા સંકલ્પનો સંદેશ ગુંજ્યો*
*રાણકીવાવ ખાતે ભવ્ય દીપોત્સવ અને ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાની રોશની સાથે મહા આરતી યોજાઈ*
*રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા*
માહિતી બ્યુરો, પાટણ
તા.૧૭/૦૯/૨૦૨૬
સમાચાર સંખ્યા:
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર સુધી યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે સમગ્ર જિલ્લામાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં અંદાજે ૫,૬૪,૪૦૦ સ્થળોએ દીપ પ્રજ્વલિત કરી સેવા, સ્વચ્છતા અને જનભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.
‘આશીર્વાદનો દીવો’ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, વિવિધ જાહેર સ્થળો તથા દર્શનીય સ્થળોએ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ યોજવામાં આવ્યું હતું. નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ પણ લીધો હતો.
*આઇકોનિક સ્થળ રાણકીવાવ ખાતે ભવ્ય દીપોત્સવ*
પાટણની ઐતિહાસિક રાણકીવાવ ખાતે રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાણકીવાવના ઐતિહાસિક પરિસરમાં પ્રજ્વલિત થયેલા અસંખ્ય દીવડાઓથી સમગ્ર સ્થળ દીપમય બની ગયું હતું.
*ભદ્રકાળી માતાના મંદિરે ૫,૦૦૦ દિવડાની રોશની અને મહા આરતી*
પાટણની આરાધ્ય નગરદેવી શ્રી ભદ્રકાળી માતાના મંદિર ખાતે ૫,૦૦૦ દિવડાઓ પ્રજ્વલિત કરી ભવ્ય દીપોત્સવ યોજાયો હતો. દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આ પાવન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકોની હાજરીમાં ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
આ પ્રસંગે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવાથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને યોજનાઓનો લાભ આપવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ માત્ર દીપ પ્રજ્વલન પૂરતો સીમિત ન રહેતા સ્વચ્છતા, સેવા, સંકલ્પ અને જનભાગીદારીના સંદેશ સાથે સમગ્ર જિલ્લામાં ઉજવાયો હતો. ગામથી શહેર સુધી વિવિધ સ્થળોએ એકસાથે દીપ પ્રજ્વલિત થતાં પાટણ જિલ્લો સેવા અને સંકલ્પના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાઈ, APMC ચેરમેનશ્રી સ્નેહલભાઈ પટેલ, હુડકોના ચેરમેનશ્રી કે.સી. પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવળ સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









