દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચકચારી ઘટના સામે આવી છે. પરિચિત શખ્સો દ્વારા જ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી તેની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરીને 50 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા બાદ તમામ ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે.
પોલીસ તપાસમાં એ વિગત પણ સામે આવી હતી કે સગીરાના પરિવારે તે ગુમ થઈ હોવાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે દીકરી અવારનવાર કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહેતી અને થોડા દિવસો પછી પાછી આવી જતી હતી. આ કારણે પરિવારે તેની ગેરહાજરીને સામાન્ય ગણી હતી.

PTI ના અહેવાલ મુજબ, 17 વર્ષીય પીડિતા અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા. ઘટનાની રાત્રે આરોપીઓએ એક ટેમ્પોની અંદર સાથે મળીને દારૂ પીધો હતો. તે પછી સગીરા પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
કેસ ઉકેલવા માટે દિલ્હી પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા. અંધારા અને ઓછી વિઝિબિલિટીના કારણે શરૂઆતમાં એક શંકાસ્પદ ટેમ્પોનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દેખાયો નહોતો.
જોકે, રૂટ ટ્રેસ કરીને પોલીસે આખરે તે ટેમ્પોને ખડ્ડા કોલોનીમાં પાર્ક થયેલો શોધી કાઢ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકને કસ્ટડીમાં લઈ લાંબી પૂછપરછ હાથ ધરી હતી, જેના આધારે બાકીના 3 શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
તપાસ અધિકારીઓ એ દિશામાં પણ તપાસ ચલાવી રહ્યા છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ.
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










