MORBI:મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય, તૂટેલા રોડ પર રોજ બે-ત્રણ વાહનચાલકો પટકાતા સ્થાનિક લોકોમાં રોષ


મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર વિશાલ સ્ટોર નજીક રોડ વચ્ચેથી તૂટી ગયો હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, રસ્તાની બિસ્માર હાલત અને ખાડાઓને કારણે અહીં દરરોજ બે થી ત્રણ નાના-મોટા અકસ્માતો સામાન્ય બની ગયા છે.

વચ્ચેથી તૂટેલા રોડના કારણે વાહનચાલકો અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દે છે, જેના લીધે રાહદારીઓ તથા વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ અવરજવર કરવા મજબૂર બન્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ તૂટેલા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગણી છે.











