
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
***
સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રી માર્ગો પર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ વિશેષ વ્યવસ્થાઓ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશનના સંકલન સાથે પદયાત્રી માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે અને પદયાત્રીઓને સ્વચ્છ તથા સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત પદયાત્રી માર્ગોની સાફ-સફાઈ, રસ્તાની બંને બાજુના વિસ્તારોમાંથી કચરો દૂર કરવા, કચરાના યોગ્ય નિકાલ તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. પદયાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય માર્ગો, વિરામ સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય તે માટે સંબંધિત વિભાગો અને સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પદયાત્રીઓની અવરજવર દરમિયાન માર્ગ પર કચરો ન ફેલાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળોએ સફાઈ કર્મચારીઓની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ પદયાત્રીઓ તેમજ માર્ગ પરના સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સ્વચ્છતા સંદેશ આપવામાં આવી રહ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા









