મોરબી ભાજપ અગ્રણી અને મહિલા કાઉન્સિલરના પતિ શૈલેષ માકાસણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ

મોરબી ભાજપના સ્થાનિક આગેવાન અને મહાનગરપાલિકાના મહિલા કાઉન્સિલર કુંદનબેનના પતિ શૈલેષ માકાસણા સામે પરિણીતા પર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપ હેઠળ ગુનો નોંધાતા રાજકીય વર્તુળો સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આશરે પાંચ વર્ષ જૂના આ બનાવમાં પરિણીતાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં ભોગ બનનાર પરિણીતાએ પોતાના પતિની બીમારીની સારવાર માટે શૈલેષ માકાસણાના પત્ની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. આ નાણાકીય વ્યવહારની આડમાં શૈલેષ માકાસણાએ પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટ પર બોલાવી હતી અને ત્યાં તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કૃત્યના કારણે પરિણીતા ગર્ભવતી બની ગઈ હતી. જેથી સમગ્ર મામલા પર પડદો પાડવા માટે આરોપીએ જન્મેલા બાળકની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની વાત કરી હતી. ત્યાર બાદ આરોપીએ પરિણીતાને ઓમ વિલા બંગલા ખાતે બોલાવી ફરી વખત શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો આ બાબતે કોઈને પણ જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ પરિણીતાએ કર્યો છે.
બનાવના આશરે પાંચ વર્ષ બાદ પરિવારજનોને બાળક અંગેની હકીકતની જાણ થતાં, પરિવારે હિંમત આપ્યા બાદ પરિણીતાએ આખરે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી શૈલેષ માકાસણાને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે નોંધનીય છે કે, આરોપી શૈલેષ માકાસણાના ઓમ વિલા બંગલા ખાતે ગત જુલાઈ મહિનામાં પોલીસે દરોડો પાડી જુગારધામ પકડી પાડ્યું હતું, જોકે તે સમયે શૈલેષ માકાસણા ઘટનાસ્થળે હાજર મળ્યા નહોતા.










