વાંસદા આંગડિયા પેઢી લૂંટ કેસનો મુખ્ય આરોપી નવસારી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી સિવિલ હોસ્પિટલમાંથી હથકડી છોડાવી ભાગી જતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ

વાંસદાની આંગડિયા પેઢીમાં થયેલી લાખોની લૂંટના કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે રાજુ રૂપારામ ચૌધરીને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ સબજેલમાં લઈ જતી વખતે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાજારામ ચૌધરીએ તા. 15 સપ્ટેમ્બરના રોજ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ તા. 18 સપ્ટેમ્બરના રોજ સાંજે તેને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ વાંસદા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેને હથકડી સાથે સબજેલમાં મૂકવા માટે ખાનગી કારમાં લઈ જઈ રહ્યા હતા.

દરમિયાન છાપરા રોડ તરફના ડિવાઇડર નજીક પહોંચતા આરોપી રાજારામે પોલીસ કોન્સ્ટેબલ રાહુલ પટેલને જોરદાર ઝટકો આપી હથકડી છોડાવી હતી અને ડિવાઇડર કૂદી સોસાયટી તરફના રસ્તેથી વિજલપોર તરફ ફરાર થઈ ગયો હતો.

આરોપી ફરાર થઈ જવાની જાણ થતાં પોલીસની વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિજલપોર રોડ, મંદિર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.

શનિવારે સવારે શારદા મંદિર વિદ્યાલય નજીકથી પણ આરોપી જેવા વ્યક્તિને જોવામાં આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમોએ તે વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે આરોપીની કોઈ ભાળ મળી ન હતી.

આ બનાવને પગલે આરોપીના જાપ્તામાં ફરજ પર રહેલા ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે વાંસદાની આંગડિયા પેઢીમાં થયેલી લાખોની લૂંટના કેસમાં પોલીસ દ્વારા અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે રાજારામ સહિતના અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હતી. હવે મુખ્ય આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો