વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગિરિકંદરામાંથી બહાર આવી માર્ગની દીવાલો પર આરામ ફરમાવતા દીપડાના વીડિયો વાયરલ:-સનસેટ-ટેબલ પોઈન્ટ વિસ્તારમાં અંધારપટથી પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો..
ગુજરાતના પ્રવાસન નકશા પર આગવુ સ્થાન ધરાવતું અને ગુજરાતની આંખોના તારા તરીકે ઓળખાતું ગિરિમથક સાપુતારા હવે વન્યજીવોની અવરજવરથી પણ ચર્ચામાં આવ્યુ છે.સાપુતારાની ગિરિકંદરાઓમાં આવેલી લીલીછમ વનરાજી અને ગીચ જંગલમાંથી દીપડાઓ બહાર આવી માર્ગની સાઈડમાં આરામ ફરમાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.સાપુતારાના સનસેટ અને ટેબલ પોઈન્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા યુવકોએ માર્ગની બાજુની દીવાલ પર આરામ ફરમાવતા દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાપુતારામાં દીપડાની હાજરીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.સાપુતારા આવતા પ્રવાસીઓ માટે સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ સૌથી લોકપ્રિય સ્થળોમાં સામેલ છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા પહોંચે છે. જોકે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોવા છતાં માર્ગના કેટલાક ભાગોમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ છવાતો હોવાની ફરિયાદો વચ્ચે દીપડાના વીડિયો સામે આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.અંધારિયા માર્ગો અને આસપાસનો ગાઢ જંગલ વિસ્તાર વન્યજીવોની અવરજવર માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં રાત્રિના સમયે પગપાળા જતા પ્રવાસીઓ અથવા વાહન પાર્ક કરીને બહાર નીકળતા લોકો માટે વધારાની તકેદારી જરૂરી બની છે.દીપડો જેવા વન્યજીવને નજીકથી જોવાની તક મળતાં પ્રવાસીઓમાં વીડિયો ઉતારવાની ઉત્સુકતા સ્વાભાવિક છે, પરંતુ વન્યજીવની નજીક જવું કે તેને ઘેરવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે. માર્ગ પર દીપડો નજરે પડે ત્યારે વાહનચાલકોએ વાહનમાંથી નીચે ન ઉતરવું, સલામત અંતર જાળવવું અને વન વિભાગને જાણ કરવી જરૂરી છે.હાલ વાયરલ થયેલા વીડિયોમાં દીપડો માર્ગની બાજુની દીવાલ પર આરામ કરતો જોવા મળે છે. જોકે આ ઘટનામાં કોઈ પ્રવાસી પર હુમલો થયો હોવાની માહિતી સામે આવી નથી.તેમ છતાં પ્રવાસન સ્થળે વન્યજીવની અવરજવર સામે આવતી હોય ત્યારે આગોતરી સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી બને છે.સાપુતારા જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા પ્રવાસન સ્થળે પ્રવાસીઓની સલામતી માટે મૂળભૂત સુવિધાઓ સુદૃઢ હોવી જરૂરી છે. ખાસ કરીને સનસેટ અને ટેબલ પોઈન્ટ જેવા પ્રવાસીઓથી ધમધમતા વિસ્તારોમાં પૂરતી સ્ટ્રીટ લાઈટ, રાત્રિ પેટ્રોલિંગ અને જરૂરી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.દરરોજ પ્રવાસીઓ પાસેથી વિવિધ પ્રકારના ચાર્જ અને પ્રવાસન સુવિધાઓના નામે આવક મેળવતા તંત્ર દ્વારા પ્રવાસીઓની સલામતી માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. માત્ર પ્રવાસન સ્થળોને સુંદર બનાવવાથી નહીં, પરંતુ રાત્રિના સમયે પણ પ્રવાસીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.સાપુતારા અને આસપાસના જંગલ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજ દ્વારા સર્વે અને મોનિટરિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.જ્યાં વારંવાર દીપડા દેખાતા હોય ત્યાં કેમેરા ટ્રેપ સહિતની વ્યવસ્થા કરીને તેમની અવરજવરનો અભ્યાસ કરવામાં આવે તો માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટાડવામાં મદદ મળી શકે છે.સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા વન વિભાગ સમક્ષ દીપડાઓની અવરજવર અંગે યોગ્ય કાર્યવાહી કરવા તથા જો કોઈ દીપડો માનવ વસાહત કે પ્રવાસન વિસ્તારમાં વારંવાર આવતો હોવાનું નિષ્ણાત તપાસમાં જણાય તો નિયમો મુજબ તેને સુરક્ષિત સ્થળે ખસેડવા સહિતના પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.સાપુતારાની સુંદરતા માણવા આવતા પ્રવાસીઓની સુરક્ષા સાથે વન્યજીવોનું રક્ષણ પણ એટલું જ મહત્વનું છે. હવે જોવાનું એ રહે છે કે વાયરલ થયેલા વીડિયોને તંત્ર માત્ર સોશિયલ મીડિયાની ઘટના ગણીને નજરઅંદાજ કરે છે કે પછી પ્રવાસીઓની સુરક્ષા માટે આગોતરા પગલાં ભરે છે..









