રાજપીપળા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

રાજપીપલા : જુનેદ ખત્રી
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના પ્રથમ દીક્ષાંત સમારોહનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઐતિહાસિક સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સમારોહના પ્રારંભે કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ પદવીદાન સમારોહના શુભારંભની ઘોષણા કરી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દીક્ષાંત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કલા, વાણિજ્ય અને વિજ્ઞાન સહિત વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ ઐતિહાસિક અવસર છે. દીક્ષાંત સમારોહ વિદ્યાર્થી જીવનની મહત્વપૂર્ણ યાત્રા બાદ જીવનના નવા અધ્યાયના પ્રારંભનો અવસર છે અને પદવી સાથે વિદ્યાર્થીઓને જવાબદારી પણ પ્રાપ્ત થાય છે.
ભગવાન બિરસા મુંડા આદિજાતિ સમાજના ગૌરવ, સંઘર્ષ અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમના નામે અને આદિજાતિ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના થવી વિશેષ મહત્વ ધરાવે છે. રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીની સ્થાપનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોને યાદ કર્યા હતા.
પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પદવી સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ પ્રાપ્ત થાય છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના ગામ કે વિસ્તારમાં કોઈ બાળક શાળાએ ન જતું હોય તો તેને શિક્ષણ સાથે જોડવા માટે પ્રયત્ન કરવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. યુવાનોને નશામુક્ત જીવન જીવવા અને સમાજમાં પણ નશામુક્તિનો સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, શિક્ષણ, સંસ્કાર, મહેનત અને પ્રામાણિકતાને જીવનનો આધાર બનાવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદવી મેળવનાર યુવાનોને આધુનિક શિક્ષણ સાથે પોતાની મૂળ સંસ્કૃતિ અને જમીન સાથે જોડાયેલા રહેવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓને માત્ર યોજનાઓના લાભાર્થી નહીં પરંતુ દેશના વિકાસના ભાગીદાર બનવા અને પ્રાપ્ત જ્ઞાન તથા કૌશલ્યનો ઉપયોગ સ્થાનિક વિકાસ તથા કારકિર્દી ઘડવામાં કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ સાથે ‘રાષ્ટ્રહિત પ્રથમ’ની ભાવનાથી વિકસિત ગુજરાતના નિર્માણમાં યુવાનો યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.









