MORBI:૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ નિમિત્તે મોરબીના ખાનપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

આયુર્વેદ-હોમિયોપેથી નિદાન કેમ્પ, યોગ નિદર્શન, જાગૃતિ રેલી અને ઔષધીય રોપા વિતરણનો ગ્રામજનોએ બહોળો લાભ લીધો

મોરબી જિલ્લામાં પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને નિરોગી જીવનશૈલી પ્રત્યે જનજાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે નિયામકશ્રી આયુષની કચેરી-ગાંધીનગર તથા મોરબી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે ૧૧મા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાના ખાનપર સ્થિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે આયોજિત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. જેતપરિયા તેમજ નિષ્ણાત તબીબશ્રીઓ ડો. વિઠલાપરા, ડો. વિરેન, ડો. ઠાકર અને ડો. ખ્યાતિબેને ઉપસ્થિત રહીને ગ્રામજનોને આયુર્વેદિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી, યોગ નિદર્શન, સ્વસ્થવૃત્ત શિબિર, આયુર્વેદ ક્વિઝ સ્પર્ધા તથા ઔષધીય રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષકશ્રી વનરાજભાઈ બસીયાના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ કેમ્પનો ખાનપર અને આસપાસના ગ્રામીણ વિસ્તારના બહોળી સંખ્યામાં આયુર્વેદ પ્રેમી નાગરિકોએ સરાહનીય લાભ લીધો હતો.

આ પ્રસંગે સરપંચશ્રી દિલીપભાઈ લિંબડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી સંદીપભાઈ લિંબડ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.











