TANKARA ટંકારા ઉગમણા નાકા પાસેથી ચોરાયેલું બાઇક ગણતરીના દિવસોમાં રિકવર:બે તસ્કરોને મુદ્દામાલ સાથે દબોચ્યા

ટંકારાના ઉગમણા નાકા પાસેથી થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે. પોલીસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે નીકળેલા બે શખ્સોને અટકાવી પોકેટકોપની મદદથી ચોરીનો પર્દાફાશ કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ, ગત તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ મોડી રાત્રે ૧૨:૩૦થી ૨:૧૫ વાગ્યાના અરસામાં ટંકારા ઉગમણા નાકા પાસે રહેતા સુનિલભાઇ રમેશભાઇ દંતેસરીયાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-36-AD-2597) કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે સુનિલભાઇએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન ટંકારા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ અને તપાસમાં હતો, તે સમયે ટંકારા નગરનાકા સામેથી નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે બે શંકાસ્પદ શખ્સો નીકળ્યા હતા. પોલીસે બંનેને રોકી મોટરસાયકલની આર.સી. બુક તથા કાગળો માંગતા તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
પોલીસે શંકાના આધારે વાહનના એન્જિન અને ચેસિસ નંબર ‘પોકેટકોપ/ઇ-ગુજકોપ’ એપ્લિકેશનમાં સર્ચ કરતા, આ વાહનના અસલ માલિક સુનિલભાઇ રમેશભાઇ દંતેસરીયા હોવાનું અને તે ટંકારા પોલીસ મથકમાં ચોરી થયેલું હોવાનું સામે આવ્યું હતું.
અજયભાઇ જીવણભાઇ મકવાણા (ઉં.વ. ૩૭) (હાલ રહે. ફુલવાડી વિસ્તાર, અમરાપર રોડ, ટંકારા; મૂળ રહે. ખાખરા, તા. ટંકારા) જયરાજસિંહ કરણસિંહ ઝાલા (ઉં.વ. ૨૪) (રહે. કોઠારીયા, તા. વાંકાનેર આ બંને શખ્સોએ સાથે મળીને મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ટંકારા પોલીસે ચોરાયેલું બાઇક જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












