MORBI:મોરબી: વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરો સામે ‘પાસા’નું શસ્ત્ર ઉગામતી પોલીસ, ભાવનગર અને જૂનાગઢ જેલ હવાલે

મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના ગુનાઓમાં સતત સંડોવાયેલા બે નામચીન બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે બંને આરોપીઓને ઝડપી પાડી ભાવનગર અને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપ્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ ચલાવતા બુટલેગરો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. આ દરખાસ્તની ગંભીરતાપૂર્વક સમીક્ષા કર્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.
જેલ હવાલે કરાયેલા આરોપીઓની વિગત:
અશ્વિનભાઇ નાથાભાઇ વાજા (ઉં.વ. ૨૪): રહે. ગુંદાખડા, તા. વાંકાનેર, જિ. મોરબી – જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા.
નાથા હરજીભાઇ વાજા (ઉં.વ. ૫૦): રહે. ગુંદાખડા, તા. વાંકાનેર, જિ. મોરબી – જિલ્લા જેલ, જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ જારી થતાં જ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને ઇસમોને ગુંદાખડા ગામે આવેલા તેઓના રહેણાક મકાનેથી ઝડપી લીધા હતા અને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી જરૂરી કાગળો તૈયાર કર્યા બાદ પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી ભાવનગર અને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કર્યા છે.











