WAKANER:વાંકાનેર-થાન રોડ પર મજૂરો સાથે તકરાર બાદ મારામારી, પોલીસે ત્રણ સામે ગુનો દાખલ

મોરબી જિલ્લાના વાંકાનેર-થાન રોડ પર આવેલા સીબેલા કારખાના નજીક મજૂરોને કામ કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. રાજકોટના વેપારીના મજૂરો સાથે ગાળાગાળી કરી, માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ઘટનાની વિગતો મુજબ, મૂળ રાજકોટના રહેવાસી નિલેશભાઈ બાબુભાઈ જલુ (ઉં.વ. ૫૩) એ વાંકાનેર સિટી પોલીસ મથકે ભરતસિંહ, ભૂપતસિંહ અને અલી નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના મજૂરો વાંકાનેર-થાન રોડ પર આવેલા સીબેલા કારખાનામાં તેમજ ત્યારબાદ વઘાસિયા ટોલગેટ નજીક વાઈટ હાઉસ ખાતે કામ કરતા હતા. તે દરમિયાન આરોપીઓ ભરતસિંહ, ભૂપતસિંહ તથા અલીએ મજૂરો સાથે કામ કરવા બાબતે બોલાચાલી કરી બિભત્સ ગાળો આપી હતી.
આ બોલાચાલી દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ વિંછીયાના રહેવાસી સાથી મજૂર મહેશને તમાચા મારી ઇજા પહોંચાડી હતી અને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે નિલેશભાઈ જલુની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.











