MORBI – MRC નોટિસ સામે ખેડૂતોનો હોબાળો: આવતીકાલે મોરબી કલેક્ટર કચેરીએ થશે મહાસંગ્રામ!

મોરબી:MRC દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના વિરોધમાં અને પોતાના હકોના રક્ષણ માટે મોરબી જિલ્લાના ખેડૂતોએ તંત્ર સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે મળેલી ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠકમાં આવતીકાલે, 25 સપ્ટેમ્બરના રોજ મોરબી કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં એકત્ર થઈ શક્તિપ્રદર્શન કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો છે.

જેતપર ગામની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, આ લડાઈ માત્ર ખેડૂતો પૂરતી સીમિત ન રહેતાં જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. દરેક ઘરેથી ભાઈઓ, બહેનો તેમજ બાળકો સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચશે. ખેડૂત પરિવારો એકસાથે આ આંદોલનમાં જોડાઈ શકે તે હેતુથી શાળાઓમાં રજા રાખવા માટે પણ ખેડૂતો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
સત્યાગ્રહ છાવણી દ્વારા મોરબી જિલ્લાના તમામ ગામડાંઓના ખેડૂતોને એકતા દર્શાવવા માટે હાકલ કરાઈ છે. આહવાન મુજબ, આવતીકાલે સવારે 9:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે અને પોતાની માંગણીઓ રજૂ કરશે. ખેડૂતોના આ આક્રમક મૂડને પગલે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે.











