MORBI:દેવદૂત બની મોરબી 108ની ટીમ! ઈમરજન્સીમાં રસ્તા વચ્ચે જ કરાવી સફળ પ્રસૂતિ: માતા અને શિશુ બંને સ્વસ્થ

MORBI:મોરબી IFT-108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિઃ EMTની સૂઝબૂઝ, તબીબી માર્ગદર્શન અને પાયલોટની કુશળતાથી માતા-બાળક સુરક્ષિત

મોરબી: મોરબીમાં ઇમરજન્સીની ઘડીએ 108 એમ્બ્યુલન્સ જીવનરક્ષક સારથિ બની હોવાનું એક બનાવ સામે આવ્યો છે. લીલાપર રોડ પર આજે સવારે હોસ્પિટલ તરફ દોડી રહેલી 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિની પીડા વધી જતાં IFT-108ની ટીમે ચાલતી એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાતને સુરક્ષિત રીતે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મળતી વિગતો મુજબ લીલાપર રોડ, જેલ રોડ, મોક્ષધામ નજીક રહેતા 31 વર્ષીય જમનાબેનને સવારે આશરે 7:30 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતાં 108ને જાણ કરવામાં આવી હતી. 9 માસ પૂર્ણ કરી ચૂકેલા અને ત્રીજી પ્રસૂતિ ધરાવતા જમનાબેનને ટીમ તાત્કાલિક સ્થળ પરથી લઈને મોરબી સિવિલ હોસ્પિટલ તરફ રવાના થઈ હતી. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં પ્રસૂતિની પીડા અસહ્ય બનતાં પરિસ્થિતિ કટોકટીભરી બની હતી. ત્યારે EMT ડફડા યશવંતી દયાભાઈએ ERCP ડૉ. પરમાર સરના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ચાલુ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી. પરિણામે 2.780 કિલો વજનના સ્વસ્થ બાળક—બેબી બોય—નો જન્મ થયો હતો.
પ્રસૂતિ દરમિયાન અને ત્યારબાદ માતા તથા નવજાતના વાઇટલ્સનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ પાયલોટ મહિપાલસિંહ રેવરે કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ હંકારી બંનેને મોરબી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે હેન્ડઓવર કર્યા હતા.ઇમરજન્સીમાં તાલીમ અને નિર્ણયક્ષમતા મહત્વની આ બનાવ માત્ર સફળ પ્રસૂતિની ઘટના નથી, પરંતુ ઇમરજન્સી સેવાઓમાં સમયસર પહોંચ, તાલીમબદ્ધ EMT, તબીબી માર્ગદર્શન અને ઝડપી પરિવહન વચ્ચેનું સંકલન કેટલું મહત્વનું બની શકે છે તેનું ઉદાહરણ છે. હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ થાય તેવી સ્થિતિમાં રસ્તા વચ્ચે ઊભી થતી તબીબી કટોકટી સંભાળવા માટે આવા સ્ટાફની તાલીમ અને સજ્જતા મહત્વપૂર્ણ બને છે. 108 ટીમની કામગીરી બાદ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. હાલ માતા અને બાળક બંને તંદુરસ્ત હોવાનું જણાવાયું છે.












