જામનગર ખાતે બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણનું આયોજન

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓએ ૪૫૦ કિલો કચરાનો નિકાલ કરી સ્વચ્છતાના શપથ લીધા
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૨૪, રાજ્ય સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના જામનગર સ્થિત બાજરા સંશોધન કેન્દ્ર ખાતે સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
કેન્દ્રના મુખ્ય પરિસર ખાતેથી શરૂ થયેલી આ ઝુંબેશમાં સંસ્થાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકે ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર એક દિવસનું કાર્ય નથી, પરંતુ તેને આપણા રોજિંદા જીવનનો સ્વભાવ અને સંસ્કાર બનાવવો પડશે. જો આપણે આપણું આંગણું અને જાહેર સ્થળો સ્વચ્છ રાખીશું, તો જ એક સ્વસ્થ અને સુંદર સમાજનું નિર્માણ થઈ શકશે.”
આ સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈને શ્રમદાન કર્યું હતું અને કચેરી તથા આસપાસના સમગ્ર પરિસરમાંથી અંદાજે ૪૫૦ કિલો જેટલા ઘન કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો.
સ્વચ્છતાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા કેન્દ્રના વડા, અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પરિસરમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત કચેરીના વડા, અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વિસ્તારને સતત સ્વચ્છ અને સુંદર રાખવા માટેના સામૂહિક ‘સ્વચ્છતા શપથ’ લીધા હતા.
સમાપન સમયે કેન્દ્રના વડા દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખવાની અને કચેરી પરિસરમાં ગંદકી કરનારાઓ સામે કડક વલણ અપનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.










