ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને યોગસાધકો જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ તથા યોગ સેવક શ્રી શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોને યોગના વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગાભ્યાસ દરમિયાન શરીર અને મન વચ્ચેનું સંતુલન જાળવવા, શ્વાસોચ્છવાસની યોગ્ય પદ્ધતિ અપનાવવા તેમજ નિયમિત યોગ દ્વારા દૈનિક જીવનમાં શારીરિક સ્ફૂર્તિ અને માનસિક શાંતિ જાળવવા અંગે સમજ આપવામાં આવી હતી. આ શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવા તથા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આજના વ્યસ્ત જીવનમાં શારીરિક કસરતની સાથે માનસિક સ્વસ્થતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે ત્યારે યોગ અને ધ્યાન જીવનમાં પરિવર્તન લાવવામાં ઉપયોગી બની શકે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










