GANDHIDHAM ગાંધીધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનસંવાદ: સેવા સેતુ કાર્યક્રમમાં લોકોની વચ્ચે મુખ્યમંત્રી


સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ અમારો સંકલ્પ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
સરકાર તમારા દ્વારે’ના સંકલ્પ સાથે ગાંધીધામમાં ૫૬ થી વધુ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્રો અને સહાયના હુકમોનું વિતરણ
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા દ્વારા 12 તબક્કાના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

ગાંધીધામ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તે અંગે લાભાર્થીઓ પાસેથી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અનેક લાભાર્થીઓને પી. એમ આવાસ યોજના, પી. એમ સ્વનિધી યોજના, ફ્રી શીપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની યોજનાકીય સહાયના હુકમો અને મંજૂરી પત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ શ્રી રામ કૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર જાતે લોકોના આંગણે જઈને તેમના કામો કરે છે. છેલ્લા માનવીને યોજનાનો લાભ મળે અને કોઈ પણ નાગરિક સરકારી સેવાથી વંચિત ન રહે તે જ અમારો સંકલ્પ છે.” સેવા સેતુ કાર્યક્રમ એ આ દિશામાં મહત્વનું કદમ છે, જેમાં એક જ જગ્યાએ લોકોને તમામ પ્રકારની સરકારી સેવાઓ મળી રહે છે,
સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારણા, રાશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતની ૫૬ થી વધુ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ થતા ખુશી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રી સર્વે માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયરશ્રી નવીનભાઈ જરૂ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. ડી. ડાવેરા, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિત પદાધિકારીશ્રીઓ,જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








