વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓના ૧,૪૦૦ વિદ્યાર્થીઓને વિશેષ નોટબુક્સનું વિતરણ: શિક્ષણ બન્યું વધુ આનંદદાયક
મુંદરા, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ :
અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ ક્ષેત્રના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંતર્ગત અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પ્રાથમિક શિક્ષણને મજબૂત કરીને બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ જીવન ઉપયોગી વિવિધ કુશળતાઓ પણ શીખવે છે, જે તેમને આત્મવિશ્વાસુ અને સફળ બનાવે છે.
‘પ્રોજેક્ટ ઉત્થાન’ અંજાર તાલુકાની પાંચ પ્રાથમિક શાળાઓ—તુણા ગ્રુપ પ્રાથમિક શાળા, તુણા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા, વંડી પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા અને વીરા પ્રાથમિક શાળામાં કાર્યરત છે. આ શાળાઓમાં ‘ઉત્થાન સહાયક’ની નિમણૂક કરવામાં આવી છે, જે બાળકોને વાંચન, લેખન અને ગણન જેવા મૂળભૂત વિષયોમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે.
બાળકોના શિક્ષણને વધુ આકર્ષક, અસરકારક અને આનંદદાયક બનાવવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા બાલવાટિકાથી ધોરણ-૩ સુધીના તમામ ભૂલકાંઓને ફોર-લાઈન બુક તથા ધોરણ-૪ થી ૮ના વિદ્યાર્થીઓને વન-લાઈન બુક આપવામાં આવી છે. આ પહેલ હેઠળ કુલ ૧,૪૦૦ વિદ્યાર્થીઓને આ ખાસ બુક્સ એનાયત કરવામાં આવી છે, જેથી તેમની શીખવાની પ્રક્રિયા વધુ સરળ બને.
અદાણી ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૮થી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સાથે MoU હેઠળ કાર્યરત છે. આ ભાગીદારી થકી મુન્દ્રા અને માંડવીની ૬૯ પ્રાથમિક શાળાઓ તથા ૧૨ હાઈસ્કૂલોમાં શૈક્ષણિક સુધારણા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિરંતર કાર્ય થઈ રહ્યું છે. દર વર્ષે શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉત્થાન પ્રોજેક્ટ સહયોગી દાતા તરીકે અમૂલ્ય યોગદાન આપે છે.
આ તમામ પહેલના પરિણામે કચછ જિલ્લાના અંજાર સહિતના તાલુકાઓમાં શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપીને અદાણી ફાઉન્ડેશન હજારો બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com










