MORBI મોરબીના વનાળીયા આંગણવાડી ખાતે “આંગણ મિલન સેવા ” કાર્યક્રમ યોજાયો

વનાળીયા: વનાળીયા ગામની આંગણવાડી ખાતે “આંગણ મિલન સેવા ” અંતર્ગત આંગણવાડી સન્માન અને માતૃ સંવાદ કાર્યક્રમ હર્ષોલ્લાસભેર યોજાયો હતો. કાર્યક્રમમાં VHSNCના સભ્યો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી ગ્રામ પંચાયતના સભ્યો તથા મહિલા આગેવાનો ઉપસ્થિત રહી આંગણવાડી સાથે જોડાયેલા બાળકો, માતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને મહિલા આગેવાનો દ્વારા આંગણવાડી પર ફળ અને સુખડીનું વિતરણ કરી બાળકોને આનંદિત કરવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓ દ્વારા બાળગીત, બાળવાર્તા, આનંદદાયક રજૂઆતો, વિવિધ રમતો અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બાળકોની નિર્દોષ રજૂઆતથી આંગણવાડીમાં ઉત્સવ જેવું આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે માતૃમંડળ, વાલીઓ અને કિશોરીઓ સાથે સંવાદ તથા સભા યોજી બાળકોના પોષણ, આરોગ્ય, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિયમિત અને સુધારેલ પોષણ સેવાઓ માટે પોષણ ચેમ્પિયન એવોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લાભાર્થીઓને THRનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીનો લેટર પણ આપવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર, તેડાગર તથા આશા વર્કર દ્વારા કરવામાં આવતી ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ આંગણવાડી કેન્દ્રને ગામના બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસનું મહત્વનું કેન્દ્ર બનાવી રાખવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમથી આંગણવાડી, માતા-વાલીઓ અને ગ્રામજનો વચ્ચેનો સ્નેહભર્યો સંબંધ વધુ ગાઢ બન્યો હતો.










