તા.૨૮/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
વિંછીયા તાલુકાના વિવિધ ગામોમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી
ઈનામ વિતરણ, બાળગીતો અને અન્નપ્રાશન સંસ્કાર સહિતના કાર્યક્રમો યોજાયા
Rajkot: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોના પાયાના ઘડતર અને સુપોષણને વધુ મજબૂત બનાવવાના આશયથી રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના વિવિધ ગામોના આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકો, વાલીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

વિંછીયા તાલુકાના કંધેવાળિયા (કંધેવાળિયા-૧ અને ૨), ગોરૈયા (ગોરૈયા-૧ અને ૨), પીપરડી (પીપરડી-૧ અને ૨), સમઢિયાળા (સમઢિયાળા-૧ અને ૨), જનડા (જનડા-૧ અને ૨) તેમજ વાંગધ્રા(વાંગધ્રા-૧ અને ૨) સહિતના ગામોના આંગણવાડી કેન્દ્રો ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.


કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં બાળકોને વિવિધ રમતો સાથે કઈ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તેનું વાલીઓ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સરકારશ્રીની પોષણક્ષમ યોજનાઓ તેમજ પૌષ્ટિક આહારના મહત્વ વિશે વાલીઓને માહિતગાર કરાયા હતા.

ઉત્સવ દરમિયાન બાળકોએ બાળગીતો, પ્રાર્થના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા તેમજ નાના બાળકો માટે અન્નપ્રાશન સંસ્કાર વિધિ યોજવામાં આવી હતી.












