દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં નવા બનેલા રોડના નિરીક્ષણ દરમિયાન એક વ્યક્તિને થપ્પડ મારવાના વિવાદમાં દિલ્હીના જાહેર બાંધકામ (PWD) મંત્રી પ્રવેશ વર્મા સામે કાનૂની સકંજો કસાયો છે. દિલ્હી પોલીસે વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં મંત્રી સામે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા મામલે બીએનએસની કલમ 115 હેઠળ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ (NCR) નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે.

વિવાદ વકરતાં મંત્રી પ્રવેશ વર્માએ દાવો કર્યો હતો કે સરકારી અધિકારીઓને ફરજ બજાવતા અટકાવવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો હતો કે વીડિયો બનાવનાર વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે ઘટનાસ્થળે મંત્રી તથા તેમના પરિવાર વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા હતા. સાથોસાથ તેમણે આપ ધારાસભ્ય પર પણ કોન્ટ્રાક્ટર પાસે કમિશન માંગવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી વિકાસપુરી પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યા છે. તેમણે માગ કરી છે કે થપ્પડ મારીને મોબાઈલ ફેંકી દેવા બદલ માત્ર એનસીઆર નહીં પરંતુ કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધવી જોઈએ. આપે પ્રવેશ વર્માની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેમને મંત્રી પદેથી હટાવવાની માંગણી સાથે મોરચો ખોલ્યો છે.










