વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વિશ્વના સૌથી મોટા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કને મળી નવી ભૌગોલિક ઓળખ: ભારતીય ટપાલ વિભાગે ફાળવ્યો નવો પિનકોડ ‘370246’
મુંદરા, તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬:
ગુજરાતના કચ્છમાં આવેલા વિશ્વના સૌથી મોટા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કને હવે એક અનોખી ભૌગોલિક ઓળખ પ્રાપ્ત થઈ છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ વિશાળ ગ્રીન એનર્જી હબ માટે એક સમર્પિત ‘આર ઈ પાર્ક ખાવડા સબ પોસ્ટ ઓફીસ’ (RE Park Khavda Sub Post Office) સાથે નવો પોસ્ટલ ઈન્ડેક્સ નંબર (PIN) 370246 ફાળવવામાં આવ્યો છે. આ નવો પિનકોડ ખાવડાના અભૂતપૂર્વ પરિવર્તન અને એક આર્થિક કેન્દ્ર તરીકે તેના વધતા મહત્વને દર્શાવે છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અને અન્ય ડેવલપર્સ દ્વારા આશરે 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ વિશાળ પાર્કનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં 10 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા કાર્યાન્વિત થઈ ચૂકી છે, જ્યારે AGELનો લક્ષ્યાંક વર્ષ 2029 સુધીમાં આ ક્ષમતાને 30 ગીગાવોટ સુધી પહોંચાડવાનો છે.
એક સમયે વેરાન ગણાતો કચ્છનો આ સીમાવર્તી વિસ્તાર આજે એક ધમધમતી મોર્ડન ટાઉનશિપમાં ફેરવાઈ ગયો છે. હાલમાં આ પ્રોજેક્ટ સ્થળે 15,000 થી વધુ કામદારો અને સ્ટાફ વસવાટ કરે છે. વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અહીં પાકા રસ્તાઓ, ડ્રેનેજ નેટવર્ક, પીવાના પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટ અને 200 કિલોમીટરથી વધુ લાંબી ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓ (હેલ્થકેર), રિટેલ આઉટલેટ્સ અને બેંકિંગ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અગાઉ આ વિસ્તારની ટપાલ સેવાઓ ખાવડા અને કુરાન બ્રાન્ચ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત થતી હતી. પરંતુ ઝડપથી વધી રહેલી વસ્તી અને વ્યાપારિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એક સુસજ્જ સમર્પિત સુવિધા અનિવાર્ય બની હતી. નવી શરૂ કરાયેલી ‘રિન્યુએબલ એનર્જી પાર્ક, ખાવડા sub post office’ દ્વારા હવે સ્પીડ પોસ્ટ, લેટર્સ એન્ડ પાર્સલ બુકિંગ, સેવિંગ્સ બેંક, આંતરરાષ્ટ્રીય મેઇલ, પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને આધાર-આધારિત ડિજિટલ બેંકિંગ (IPPB) જેવી તમામ ટપાલ અને નાણાકીય સેવાઓ સીધી જ મળી રહેશે.
આ નવો પિનકોડ માત્ર ટપાલ વ્યવહાર પૂરતો મર્યાદિત ન રહેતાં ઈ-કોમર્સ, લોજિસ્ટિક્સ, બેંકિંગ, મેપિંગ (ગૂગલ મેપ્સ) અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રની કંપનીઓ માટે આ વિસ્તારની સર્વિસેબિલિટી નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અદાણી ગ્રૂપ અને સહયોગીઓના ભગીરથ પ્રયાસોથી ખાવડાની કાયાપલટ થઈ છે, અને આ નવો પિનકોડ તેના વિકાસની આ સફરમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરે છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com










