રાજપારડીની MES નુરાની શાળાનો કબડ્ડીમાં દબદબો, અંડર-14 અને અંડર-17માં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી MES નુરાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ કબડ્ડી સ્પર્ધામાં શાનદાર સિદ્ધિ મેળવી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
ખેલ મહાકુંભના ભાગરૂપે ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની આશરે 20 જેટલી શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં MES નુરાની શાળાની ટીમે શરૂઆતથી જ શાનદાર રમતનું પ્રદર્શન કરી વિરોધી ટીમો સામે જોરદાર મુકાબલો કર્યો હતો. ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન, ટીમવર્ક અને રમતગમતના કૌશલ્યના કારણે અંડર-14 તેમજ અંડર-17 બંને કેટેગરીમાં નુરાની શાળાની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ સિદ્ધિ સાથે MES નુરાની શાળાની બંને ટીમોએ હવે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે અને આગામી તબક્કે ઝઘડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આ શાનદાર સફળતામાં કબડ્ડી ટીમના કેપ્ટન રેહાન ખોખર, વાઇસ કેપ્ટન મલેક કબીર સહિત સમગ્ર ટીમના ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ટીમને સફળતા સુધી પહોંચાડવામાં કોચ સાયરા બેનનું માર્ગદર્શન અને મહેનત પણ મહત્વપૂર્ણ રહી હતી.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ MES નુરાની શાળા પરિવાર દ્વારા તમામ ખેલાડીઓ, કેપ્ટન, વાઇસ કેપ્ટન, કોચ તથા શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે રમતગમતને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે.
નુરાની શાળાની આ બેવડી સિદ્ધિથી રાજપારડી સહિત સમગ્ર ઝઘડિયા તાલુકામાં ગૌરવની લાગણી ફેલાઈ છે. હવે જિલ્લા કક્ષાએ પણ નુરાની શાળાના ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.










