દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ALIMCO, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં જામખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા દિવ્યાંગજનોનું જરૂરી એસેસમેન્ટ કરવામાં આવ્યું તેમજ સહાયક સાધનો માટે યોગ્ય માપ લેવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાત મુજબ પ્રોસ્થેટિક, કૃત્રિમ અંગો, કેલિપર્સ, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, જોયસ્ટિક વ્હીલચેર સહિતના સહાયક સાધનો માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.








