વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં આંગણવાડી કેન્દ્ર નં. ૧ છેલ્લા ચાર વર્ષથી પ્રાઇવેટ મકાનમાં ચાલી રહી હોવાના કારણે આંગણવાડીની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
આંગણવાડીનું જૂનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તેને ડેમેજ જાહેર કરી તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોના અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રહે તે માટે આંગણવાડી કેન્દ્રને પ્રાઇવેટ મકાનમાં ખસેડવામાં આવ્યું હતું.
પરંતુ ચાર વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નવી આંગણવાડીનું કાયમી મકાન તૈયાર થયું નથી. જેના કારણે નાના ભૂલકાંઓને હજુ પણ પ્રાઇવેટ મકાનમાં જ આંગણવાડીની પ્રવૃત્તિઓ કરાવવી પડી રહી હોવાના આક્ષેપો છે.
સરકાર દ્વારા આંગણવાડીના બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે એક જ ગામમાં ચાર વર્ષથી આંગણવાડીનું કાયમી મકાન ન બનવું તંત્રની કામગીરી સામે સવાલ ઉભો કરે છે.
ચાર વર્ષ બાદ પણ ‘તારીખ પે તારીખ’
નવી આંગણવાડી ક્યારે બનશે? બાંધકામમાં વિલંબનું કારણ શું છે? જવાબદાર વિભાગ દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? જેવા સવાલોના જવાબની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે.
બાળકોના ભવિષ્ય માટે યોજનાઓ તો અનેક, પરંતુ ઉંદરાણામાં આંગણવાડી માટે કાયમી છત ક્યારે? હવે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી નવી આંગણવાડીના બાંધકામ અંગે સ્પષ્ટતા અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.








