સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા, કેશોદ તથા એસ.ટી. ડેપો, કેશોદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત–સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. ડેપો સહિતના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે જનજાગૃતિ માટે રેલી, નાટક અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નાટક દ્વારા સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તથા સ્વચ્છતા પ્રત્યે સૌએ પોતાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં એસ.ટી. ડેપો મેનેજર બી. જી. ભીલ, શાળાના આચાર્ય બી. એસ. ભાવસાર, વ્યાયામ શિક્ષક ડૉ.હમીરસિંહ વાળા, હીરાભાઈ મૂછાળ, એમ. ડી. દાહીમાં, પરેશભાઈ ચાવડા, દિનેશભાઈ તેમજ એસ.ટી. ડેપો કેશોદના સિદ્ધરાજસિંહ રાયજાદા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ડાંગર, સુરેશભાઈ ગરચર, દિલીપભાઈ પાઠક, કાનભાઈ અને રામભાઈ બકોત્રા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ.હમીરસિંહ વાળા દ્વારા સ્વચ્છતાનું આ અભિયાન માત્ર એક દિવસ કે એક મહિના પૂરતું સીમિત ન રહે, પરંતુ વર્ષભર સતત ચાલે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે સ્વચ્છતા સાથે તંદુરસ્તીનો સીધો સંબંધ હોવાનું જણાવી સ્વચ્છ અને તંદુરસ્ત દેશના નિર્માણમાં સૌના સહયોગ માટે અપીલ કરી હતી. એસ.ટી. ડેપો કેશોદ દ્વારા પણ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં સૌને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી શાળાના આચાર્ય બી. એસ.ભાવસાર દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવા અને આ મિશનને સફળ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સુંદર અને જનજાગૃતિસભર કાર્યક્રમ બદલ જિલ્લા નાયબ નિયામક સી. પી. પવાર, આચાર્ય બી. એસ. ભાવસાર તથા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી એ. કે. રાઠોડ દ્વારા કાર્યક્રમ સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










