વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

પીપલગભાણ, તા. ચીખલી, જિ. નવસારી: શ્રી એમ. જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને ધ્યાનમાં રાખીને વાલી સ્નેહ સંમેલન તથા ઉત્તરવહી નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી પોતાના સંતાનોની શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી મેળવી હતી.કાર્યક્રમ દરમિયાન વાલીઓને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ દર્શાવવામાં આવી હતી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાની કામગીરી, લેખનશૈલી, પ્રશ્નોના જવાબ આપવાની પદ્ધતિ, થયેલી ભૂલો તથા તેમાં સુધારાની શક્યતાઓ અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકોએ વાલીઓ સાથે વ્યક્તિગત ચર્ચા કરી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, નિયમિત અભ્યાસ, શિસ્ત તથા પરીક્ષાની તૈયારી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દર્શનકુમાર બી. દેસાઈએ વાલીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીના અભ્યાસ માટે શાળા તરફથી અમે ૭૫ ટકા ધ્યાન આપીશું, પરંતુ વાલીઓ પણ ૨૫ ટકા ધ્યાન આપશે તો આપણા બાળકનું પરિણામ ૧૦૦ ટકા થઈ શકે છે.” તેમણે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલી વચ્ચે સતત સંવાદ તથા સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું.આચાર્યશ્રીએ વાલીઓને પોતાના સંતાનોના નિયમિત અભ્યાસ, શિસ્ત અને પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપવા તેમજ શાળાના શિક્ષકો સાથે સતત સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો હતો. વાલીઓએ પણ શિક્ષકો સાથે સંવાદ સાધી પોતાના સંતાનોના અભ્યાસ અંગે ચર્ચા કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષકોએ સુંદર આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી. વાલીઓની ઉત્સાહભરી હાજરીથી સમગ્ર વાલી સ્નેહ સંમેલન અને ઉત્તરવહી નિદર્શન કાર્યક્રમ સફળ અને હેતુસભર બન્યો હતો.









