જામખંભાળિયા ખાતે “સશસ્ત્ર દળ સન્માન સમારોહ” અને સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો

જામનગર
(નયના દવે દ્વારા)
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર અને સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લાનાં નિવૃત સૈનિકો અને હોમગાર્ડના જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને સાયબર ગુનાઓના વિવિધ પ્રકારો, તેનાથી બચવાના ઉપાયો તથા સાયબર ગુનાનો ભોગ બન્યા બાદ તાત્કાલિક લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો અંગે સમજ આપતાં ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ, OTP/KYC ફ્રોડ, ફિશિંગ લિંક, સોશિયલ મીડિયા ફ્રોડ તથા સાયબર બુલિંગ જેવી છેતરપિંડીથી સાવચેત રહેવા લાઇવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા.
કમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ અથવા અન્ય ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતો ગુનો કે છેતરપિંડી સાયબર ક્રાઈમ તરીકે ઓળખાય છે. ડિજિટલ વ્યવહારો અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં સાયબર જાગૃતિ અત્યંત જરૂરી બની છે. સાયબર ગુનાઓથી બચવા માટે પાસવર્ડ, ATM PIN, OTP તથા બેંકની વિગતો કોઈપણ વ્યક્તિ સાથે શેર ન કરવી, અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અને લોભામણી ઓફરથી સાવચેત રહેવું જરૂરી છે. ઉપરાંત, અજાણ્યા વ્યક્તિના કહેવાથી AnyDesk, TeamViewer જેવી સ્ક્રીન-શેરિંગ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્રોફાઇલની ગોપનીયતા જાળવવા અને અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત ફોટા કે માહિતી શેર ન કરવા અપીલ કરવામાં આવી હતી.
જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો ગભરાયા વગર તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો અને સત્તાવાર National Cyber Crime Reporting Portal — www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવી અને જરૂર જણાય તો નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉપરાંત નાગરિકોને સાયબર સુરક્ષા અંગે સજાગ રહી પોતે પણ સુરક્ષિત રહેવા તેમજ પરિવારજનો અને આસપાસના લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયા, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, એ.એસ.પી શ્રી પ્રખર કુમાર, અગ્રણીશ્રી મયુરભાઇ ગઢવી, મદદનીશ DLSA સેક્રેટરી એચ. પી.રાવલ, ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી સંધ્યાબેન હેરમા તેમજ સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.










