વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આહવા, સુબીર અને વઘઈના મંદિરોમાં ભક્તોએ કરી સલામતી માટે પ્રાર્થના
ડાંગ: ગુજરાતી પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની સલામતી અને ક્ષેમકુશળતા માટે ડાંગ જિલ્લામાં વિવિધ સ્થળોએ વિશેષ પ્રાર્થના સભા અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ તાલુકાના મંદિરોમાં સ્થાનિક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી કેપ્ટન સ્મિત મચ્છર વહેલી તકે સ્વસ્થ થાય અને સુરક્ષિત રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
આહવા તાલુકામાં શ્રી દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 7:15 કલાકે યોજાયેલી પ્રાર્થનામાં આશરે 25 ભક્તો જોડાયા હતા. સુબીર તાલુકાના જુનેર ખાતે શ્રી હનુમાન મંદિર ખાતે સાંજે 6 વાગ્યે યોજાયેલી પ્રાર્થનામાં 18 જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વઘઈ તાલુકાના કાલીબેલ સ્થિત શ્રી રામજી મંદિર ખાતે સાંજે 7:30 કલાકે યોજાયેલી પ્રાર્થનામાં આશરે 38 ભક્તોએ હાજરી આપી હતી.
તમામ સ્થળોએ ભક્તિમય વાતાવરણમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ભક્તોએ કેપ્ટન સ્મિત મચ્છરની સલામતી તથા ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટમાં બનેલી ગંભીર ઘટનામાં પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં આશરે 180 મુસાફરો સવાર હોવાનું જણાવાયું છે. મુશ્કેલીની સ્થિતિમાં ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત જાળવી રાખી અને મુસાફરોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સ્મિત મચ્છર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની હોવાનું જણાવાયું છે. તેમની બહાદુરી અને મુશ્કેલ પરિસ્થિતિમાં દર્શાવેલી હિંમતની ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતને બિરદાવતા ડાંગ જિલ્લાના શ્રદ્ધાળુઓએ તેમના માટે પ્રાર્થના કરી તેમના વહેલા સ્વાસ્થ્ય અને સલામતીની કામના વ્યક્ત કરી હતી.









