મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, આઈ.સી.ડી.એસ. રાજકોટ ઝોન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ખાતે ઝોન કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ તથા ટેક હોમ રાશન અને મિલેટસ શ્રી અન્નમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કક્ષાના ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ તથા ટેક હોમ રાશન અને મિલેટસ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ “પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા” માં વિજેતા થયેલા ટેક હોમ રાશન વાનગી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા અને મિલેટસ વાનગી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં જૂનાગઢ જીલ્લાના આઈ.સી.ડી.એસ. ઘટક માળિયાહાટીનામાંથી માળિયા-૧ આંગણવાડી કેન્દ્રના તેડાગર શ્રી મહિડા પિન્ટુબેન જમનભાઈએ મોરૈયાના સેન્ડવીચ ઢોકળા બનાવ્યા હતા. જેઓએ ઝોન કક્ષાએ મિલેટસ વાનગી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ આઈ.સી.ડી.એસ. ઘટક મેંદરડાના રાજેસર-૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રી મકડિયા જાગૃતિબેન માણસુરભાઈ દ્વારા બાલશક્તિમાંથી બાસ્કેટ ચાટ બનાવવામાં આવી હતી. જેઓએ ઝોન કક્ષાએ ટેક હોમ રાશન વાનગી સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાર્યક્રમના અંતે વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવે, આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ









