તા.૮/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું સાચું પ્રમાણ છે
દેશમાં રોડ નેટવર્ક, રેલવે સિસ્ટમ, આધુનિક રેલવે સ્ટેશનો, વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા માળખાકીય સુધારાઓથી સકારાત્મક પરિવર્તન થઈ રહ્યું છે
સાયન્સ ટેકનોલોજી, સ્પેસ, વિમાન, હેલિકોપ્ટર અને આયુધ નિર્માણ ક્ષેત્રે ભારત હવે નિકાસકાર દેશ બની રહ્યો છ
પદવી મેળવનારા વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના નિર્માતા – શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા
૧૬ વિદ્યાશાખાના કુલ ૪૫,૯૨૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત : કુલ ૧૩૨ ગોલ્ડ મેડલ એનાયત કરાયા
૧૩૨ ગોલ્ડ મેડલ પૈકી ૧૦૫ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓના ફાળે
Rajkot: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી અને કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૬૧મો પદવીદાન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ કોઈપણ યુનિવર્સિટી માટે અત્યંત વિશેષ દિવસ હોય છે, કારણ કે વાલીઓએ જે આશા સાથે પોતાના સંતાનોને ગુરુજનોને સોંપ્યા હતા, તે ઉદ્દેશ્ય આજે પૂર્ણ થયો છે. તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ હવે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે. તેમણે ઉમેર્યું કે, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું સાચું પ્રમાણ છે.

આ વેળાએ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રોડ નેટવર્ક, રેલવે સિસ્ટમ, આધુનિક રેલવે સ્ટેશનો, વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા માળખાકીય સુધારાઓથી સકારાત્મક પરિવર્તન થઈ રહ્યું છે. સાયન્સ ટેકનોલોજી, સ્પેસ, વિમાન, હેલિકોપ્ટર અને આયુધ નિર્માણ ક્ષેત્રે ભારત હવે નિકાસકાર દેશ બની રહ્યો છે. દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે .

‘સત્યં વદ, ધર્મં ચર…’ નો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ યુવાનોને આહ્વાન કર્યું હતું કે, હંમેશા સત્યનું આચરણ કરવું, કર્તવ્યનું પાલન કરવું, જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરવી અને મેળવેલી વિદ્યાને માનવતાના કલ્યાણ તેમજ રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગમાં લેવી જોઈએ. માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદરભાવ જાળવી રાખવો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તેમણે તમામ ડિગ્રીધારીઓને પ્રામાણિકતા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે કાર્ય કરવા પ્રેરણા આપી હતી. આ તકે રાજ્યપાલશ્રીએ એનાયત કરાયેલા ૧૩૨ ગોલ્ડમેડલ પૈકી ૧૦૫ ગોલ્ડ મેડલ મેળવનારી વિદ્યાર્થીનીઓને વિશેષરૂપે બિરદાવીને તેમાંથી પ્રેરણા લેવા યુવકોને અનુરોધ કર્યો હતો.

આ અવસરે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, યુવાનો ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનારા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને નવી શિક્ષણ નીતિના અમલથી શિક્ષણને જીવનલક્ષી, કૌશલ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાથે જોડવામાં આવ્યું છે. આજે વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યના આધારે ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના આ પ્રયાસોના મીઠા ફળ આગામી સમયમાં સમાજને ચોક્કસપણે પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું કે, સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે વિદ્યાર્થીઓએ માત્ર સકારાત્મક અને ઉપયોગી બાબતોને અનુસરી, તેનો ઉપયોગ પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે કરવો જોઈએ.

જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ, બેંગલુરુના વૈજ્ઞાનિક અને પ્રેસિડેન્ટ પ્રોફેસર કે. એસ. નારાયણે જણાવ્યું હતું કે, ડિગ્રી મળવી એ નવી શરૂઆત છે. વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણમાં આજના યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે. ભારતની અવકાશ સિદ્ધિઓ, યુ.પી.આઇ. અને સ્ટાર્ટઅપના સહારે ભારત હવે માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરનારો નહીં, પરંતુ નવી ટેક્નોલોજીનું સર્જન અને નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે. યુવાનોને સતત નવી બાબતો શીખવા અને એ.આઇ., ડિજિટલ ટેક્નોલોજી તથા પોતાના ક્ષેત્રમાં નિપુણતા મેળવવાની સાથેસાથે ટેક્નોલોજી સાથે માનવીય મૂલ્યો, નૈતિકતા, સહાનુભૂતિ અને સર્જનાત્મકતાને જાળવવાની અપીલ તેમણે કરી હતી.
આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી ઉત્પલ જોશીએ શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિઓ રજૂ કરી હતી. આ અવસરે ૧૬ વિદ્યાશાખાના કુલ ૪૫,૯૨૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જે પૈકી ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ૧૧૫ વિદ્યાર્થીઓને કુલ ૧૩૨ ગોલ્ડ મેડલ (વિદ્યાર્થીઓને ૨૭ અને વિદ્યાર્થિનીઓને ૧૦૫) આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આભારવિધિ પરીક્ષા નિયામક શ્રી ડો. ધીરેનભાઈ પંડ્યાએ કરી હતી.
આ તકે જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, કુલસચિવ શ્રી ડો. અજયસિંહ જાડેજા સહિત યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.











