વાંસદા તાલુકામાં દીપડાની અવરજવર વચ્ચે વન વિભાગનું એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા ગામડાંઓ જનજાગૃતિ અભિયાન

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા ગામડાંઓ, શાળાઓ અને જાહેર સ્થળોએ લોકોને સાવચેતીનાં પગલાં અંગે કરાયા જાગૃત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માનવ અને વન્યપ્રાણી વચ્ચેના ઘર્ષણને અટકાવવા વન વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા લોકોને દીપડાની હાજરી દરમિયાન રાખવાની સાવચેતી અને સુરક્ષાનાં પગલાં અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

વન વિભાગ દ્વારા ગામડાંઓ, શાળાઓ, દૂધ મંડળીઓ, ચાર રસ્તાઓ તેમજ લોકોની વધુ અવરજવર રહેતી જગ્યાઓ પર એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન દીપડો દેખાય ત્યારે કેવી રીતે સાવચેતી રાખવી, વન્યપ્રાણીઓથી સુરક્ષિત રહેવા કઈ બાબતોનું ધ્યાન રાખવું અને માનવ-વન્યપ્રાણી વચ્ચેનો સંઘર્ષ કેવી રીતે ટાળવો તે અંગેના માર્ગદર્શક વીડિયો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.

વન વિભાગના આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં વન્યપ્રાણીઓ પ્રત્યે જાગૃતિ કેળવવાનો, અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા પ્રેરિત કરવાનો અને માનવ તથા વન્યજીવો વચ્ચે ઘર્ષણની શક્યતાઓ ઘટાડવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી સુરક્ષાની સાચી માહિતી પહોંચે તે માટે આ પ્રકારની જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

દીપડો દેખાય તો ગભરાશો નહીં, સાવચેતી રાખો

વન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દીપડો દેખાય ત્યારે ગભરાયા વિના સુરક્ષિત અંતર જાળવવું, તેની નજીક જવાનો કે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો નહીં અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. દીપડાને જોવા માટે લોકોનું ટોળું એકત્ર ન કરવું તેમજ અફવાઓ ફેલાવવાથી દૂર રહેવું પણ જરૂરી છે.

વન વિભાગે નાગરિકોને વન્યપ્રાણીઓ પ્રત્યે સાવચેતી અને જવાબદારીભર્યું વર્તન રાખવા અનુરોધ કર્યો છે, જેથી માનવજીવનની સાથે વન્યજીવોની સુરક્ષા પણ જળવાઈ રહે અને માનવ-વન્યપ્રાણી વચ્ચે સહઅસ્તિત્વનું વાતાવરણ મજબૂત બને.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો