તા.૦૯.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં પાણીની અનિયમિત સમસ્યાને લઈ કોંગ્રેસના આક્રમક આક્ષેપો: ચેરમેન મેઘા પંચાલની ‘મનમાની’ સામે સવાલો
દાહોદ શહેરમાં પીવાના પાણીની અનિયમિત અનેા અપૂરતી વિતરણ વ્યવસ્થાને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દાહોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા શહેરની પાણીની વિકટ સમસ્યાને લઈને એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના નગરસેવકોએ નગરપાલિકાના પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ સામે સીધા અને ગંભીર આક્ષેપો કર્યા હતા.પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ આક્ષેપ કર્યો હતો કે દાહોદ નગરપાલિકામાં પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ દ્વારા ખુલ્લેઆમ મનમાની ચલાવવામાં આવી રહી છે. શહેરની જનતા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે સત્તાધારી પક્ષના હોદ્દેદારો પોતાની મસ્તીમાં વ્યસ્ત હોવાનો સુર કોંગ્રેસે વ્યક્ત કર્યો હતો.કોંગ્રેસના નગરસેવકોએ જણાવ્યું હતું કે, શહેરના કોઈ પણ વોર્ડમાં પાણીની સમસ્યાને લગતું કોઈ પણ નવું કામ કે સમારકામ કરવાનું હોય, તો સીધેસીધું થઈ શકતું નથી. પાલિકાના સ્ટાફે કે ખુદ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ પાણી પૂરવઠા ચેરમેનને લેખિતમાં આપવું પડે છે. જ્યાં સુધી ચેરમેન તરફથી ‘લીલીઝંડી’ (મંજૂરી) ન મળે, ત્યાં સુધી વોર્ડમાં પાણીને લગતું કોઈ જ કામ આગળ વધતું નથી તેવા સીધા અને આકરા આક્ષેપો કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યા છે શહેરની પ્રજાને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી મળી રહે તેવી લોકમાગ સાથે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે










