ઝઘડિયાના રતનપુર નજીક હઝરત બાવાગોરનો ચસ્મો વધાવાયો!


;




વર્ષો જૂની પરંપરા નિભાવી ભવ્ય મેળો યોજાયો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક ડુંગર પર આવેલી હઝરત બાવાગોરની પવિત્ર દરગાહ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ ચસ્મો એટલે કે પવિત્ર પાણીનો કુંડ વધાવવાની વિધિ કરવામાં આવી હતી.રતનપુર ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર ડુંગર પર હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે. અહીં વર્ષોથી હઝરત બાવાગોર દાદાના સમયથી ચસ્મો એટલે કે પાણીનો કુંડ મોજૂદ હોવાનું માનવામાં આવે છે.દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચસ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ વર્ષ પણ ધાર્મિક આસ્થા અને પરંપરાના માહોલ વચ્ચે ચસ્મો વધાવવાની વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાવાના પુત્ર નૈયર બાવા તેમજ દરગાહના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુના હસ્તે ફૂલ, ધાણી અને નાળિયેર અર્પણ કરી પરંપરાગત રીતે ચસ્મો વધાવવામાં આવ્યો હતો.
ચસ્મો વધાવવાની આ પવિત્ર વિધિ નિહાળવા માટે આસપાસના ગામો ઉપરાંત દૂરદૂરથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ હઝરત બાવાગોરની દરગાહ પર ચાદર અને ફૂલ અર્પણ કરી મુબારક દુઆઓ અને આશીર્વાદનો લાભ લીધો હતો.ચસ્મો વધાવવાના આ પ્રસંગે દરગાહ ખાતે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળી હતી.આમ, રતનપુર નજીક ડુંગર પર આવેલી હઝરત બાવાગોરની દરગાહ ખાતે ચસ્મો વધાવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ શ્રદ્ધા અને આસ્થા સાથે જળવાઈ રહી છે, ત્યારે સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યો હતો.









