MORBI મોરબી શિક્ષણકુંજ દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન ચિત્રસ્પર્ધા યોજાઈ


શિક્ષણકુંજ ગ્રૂપનાં સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન ‘રંગોની દુનિયા’ ચિત્રસ્પર્ધા , ઑગસ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૬ યોજવામાં આવી હતી. આ ચિત્રસ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી હતી. વિભાગ-૧ માં ધોરણ ૪ થી ૮ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિભાગ-૨ માં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ચિત્રસ્પર્ધામાં ગૂગલ ફોર્મના માધ્યમથી તા. ૧૯/૦૮/૨૦૨૬ થી તા. ૨૦/૦૯/૨૦૨૬ સુધી ઑનલાઈન ચિત્રો મંગાવવામાં આવ્યા હતા. બંને વિભાગમાં ગુજરાતનાં જુદાં-જુદાં જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન ‘રંગોની દુનિયા’ ચિત્રસ્પર્ધાનું પરિણામ તા.૦૧/૧૦/૨૦૨૬નાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું. વિભાગ-૧ માંથી પ્રથમ નંબર બબલુ હરિલાલ દેહદીયા (જિ. જામનગર), દ્વિતીય નંબર આઈશા અહમદભાઈ ખત્રી (જિ. કચ્છ) અને તૃતીય નંબર આસ્થા બિમલભાઈ પટેલે (જિ. વલસાડ) મેળવ્યો હતો. વિભાગ-૨ માંથી પ્રથમ નંબર હિમાની રાજેશભાઈ પઢારિયા (જિ. ખેડા), દ્વિતીય નંબર મિલન અમરતભાઈ પ્રજાપતિ (જિ. બનાસકાંઠા) અને તૃતીય નંબર જ્યોતિબેન હરચંદભાઈ ઘાંચી (જિ. વાવ-થરાદ)એ મેળવ્યો હતો. વિજેતાઓને ઈનામની રકમ અને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે શિક્ષકોએ પોતાની શાળાનાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓને ‘રંગોની દુનિયા’ ચિત્રસ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો એ શિક્ષકોને શિક્ષણકુંજ તરફથી ડિજિટલ સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણકુંજ દ્વારા દર બે મહિને રાજ્ય કક્ષાની ઑનલાઈન સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને દ્વિમાસિક ઈ-મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણકુંજ દ્વારા દરરોજ વ્હોટ્સએપ ગ્રૂપમાં આજનું પંચાંગ, સુવિચાર, ઉખાણું, અવનવું, મહત્ત્વની ઘટનાઓ, જાણવા જેવું, જનરલ નૉલેજ અને દિન વિશેષ શેર કરવામાં આવે છે. શિક્ષણકુંજ દ્વારા મહત્ત્વનાં દિવસોએ ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ યોજવામાં આવે છે.













