MORBI:રાજકોટ-મોરબી હાઇવે પર હોટલમાં જમવાનું મોડું થવા બાબતે બબાલ: યુવક પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી એક હોટલમાં જમવાનું પીરસવામાં મોડું થવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હોટલ સંચાલક અને તેના સાગરીતે ગ્રાહક યુવક પર હુમલો કરી માથાના ભાગે છરી ઝીંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા (ઉં.વ. ૨૪) પોતાના સાથી સાથે હાઇવે પર આવેલી કાદરી હોટલે જમવા ગયા હતા. ત્યાં તેમણે જમવાનું વહેલું આપવા જણાવતાં હોટલ સંચાલક ઇમ્તીયાઝભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને “જમવામાં વાર લાગશે” કહી તકરાર શરૂ કરી હતી.જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી ઇમ્તીયાઝભાઈએ ભાવિનભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી, ઉશ્કેરાઈ જઈ તેમના માથાના પાછળના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન અન્ય આરોપી રાઠોડભાઈએ પણ યુવક પર ઢીકા-પાટુનો માર માર્યો હતો.
આ હુમલા બાદ ઇજાગ્રસ્ત ભાવિનભાઈ ચાવડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇમ્તીયાઝભાઈ તથા રાઠોડભાઈ (બંને રહે. વિરપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.












