રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
૮૦૦થી વધુ કલાકારોની ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે મા આદ્યશક્તિની મહાઆરતી યોજાઈ; ૧૯ ઑક્ટોબર સુધી ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘આહ્વાન મા આદ્યશક્તિ’ની થીમ પર ૮૦૦થી વધુ કલાકારોએ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, શક્તિ ઉપાસના, સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક પરંપરાઓને ઉજાગર કરતી મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મા જગદંબાની મહાઆરતીમાં સહભાગી થઈ આશીર્વાદ મેળવ્યા હતા.
નવરાત્રિના પાવન પર્વની શરૂઆત નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ માતાઓ, બહેનો અને દીકરીઓની સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે નવરાત્રિની ઉજવણી કરવા નાગરિકોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતની સદીઓ જૂની લોકપરંપરા એવા ગરબાને વૈશ્વિક ઓળખ અપાવવામાં વડાપ્રધાનનું દિશાદર્શન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળવાથી ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી રાજ્યના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને વૈશ્વિક મંચ મળ્યો છે. બીજી તરફ, નવરાત્રિ જેવા લોકોત્સવોને પ્રવાસન, રોજગાર અને જનભાગીદારી સાથે સાંકળવાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે. આવા આયોજનો ગુજરાતની પરંપરાઓને દેશ-વિદેશના લોકો સુધી પહોંચાડવાની સાથે સ્થાનિક કલાકારો અને વ્યવસાયોને પણ નવી તકો પૂરી પાડે છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે નવરાત્રિ મહોત્સવમાં હસ્તકલા કારીગરો અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને સ્થાન આપીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પહેલથી નાના વેપારીઓ, હસ્તકલા કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને રોજગાર તથા આજીવિકાની તકો મળે છે. પરંપરાગત કળા, સ્થાનિક ઉત્પાદનો અને સાંસ્કૃતિક ઉત્સવોને એકસાથે સાંકળવાનો આ અભિગમ ગુજરાતના સર્જનાત્મક અર્થતંત્રને પણ વેગ આપે છે.
ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છનો રણોત્સવ, સાપુતારા ફેસ્ટિવલ અને માધવપુરનો મેળો જેવા આયોજનો રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી રહ્યાં છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, અંબાજી કોરિડોર અને પાવાગઢમાં ધ્વજારોહણ સહિતનાં વિવિધ આયોજનો દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની આ આગવી ઓળખને જાળવી રાખીને નવી પેઢી સુધી પહોંચાડવી એ સૌની સહિયારી જવાબદારી છે.
સ્વચ્છતા અંગે નાગરિકોને સંદેશ આપતાં મુખ્યમંત્રીએ નવરાત્રિ દરમિયાન જાહેર ગરબા સ્થળો, પાર્ટી પ્લોટ, સોસાયટીઓ અને શેરીઓમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તેમણે કચરાનો યોગ્ય નિકાલ કરવા અને ઉત્સવ દરમિયાન સ્વચ્છ તથા સુંદર વાતાવરણ જાળવવા સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. યાત્રાધામો અને તીર્થસ્થળોની પવિત્રતા જાળવવા તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે પણ તેમણે નાગરિકોને જવાબદારી નિભાવવા જણાવ્યું હતું.
મહિલા સુરક્ષાને સામાજિક જવાબદારી ગણાવતાં મુખ્યમંત્રીએ માતાઓ, બહેનો અને દીકરીઓના સન્માન તથા સલામતીને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા હોવાથી સુરક્ષા, સ્વચ્છતા અને શિસ્ત જાળવવા સૌએ સહયોગ આપવો જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના રાષ્ટ્રીય લક્ષ્યનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. અંતમાં તેમણે વિકસિત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણના સંકલ્પો પૂર્ણ કરવાની શક્તિ આપવા મા અંબાને પ્રાર્થના કરી હતી.
હસ્તકલા બજાર, બાળનગરી અને ફૂડ કોર્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર
વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવ સ્થળે ઊભાં કરવામાં આવેલાં વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી. તેમાં નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો ઝોન, સેલ્ફી પોઇન્ટ, બાળકો માટેની વિશેષ બાળનગરી, ફૂડ કોર્ટ અને હસ્તકલા બજારનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત ગૃહઉદ્યોગ અને હસ્તકલા મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સખી મંડળોની બહેનો સાથે સંવાદ કરીને તેમના ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. આ મેળો સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને પોતાનાં ઉત્પાદનો રજૂ કરવા તથા વેચાણની તકો મેળવવા માટે મંચ પૂરો પાડશે.
આ વર્ષે તૈયાર કરવામાં આવેલી બાળનગરીમાં ટીવી સ્ટુડિયો, ફોટો સ્ટુડિયો અને એફએમ સ્ટુડિયો સહિતની સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ, હસ્તકલા બજાર અને સેલ્ફી પોઇન્ટ્સ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
મહોત્સવ અંતર્ગત દરરોજ સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૯ ઑક્ટોબર સુધી પરંપરાગત ગરબા અને વિશેષ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે મહોત્સવમાં સંસ્કૃતિ, સ્વાદ, હસ્તકલા અને મનોરંજનનો સમન્વય જોવા મળશે.
કાર્યક્રમના પ્રારંભે પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્યએ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સર્બિયા, યુક્રેન, પેલેસ્ટાઇન, મોલ્ડોવા, થાઈલેન્ડ, એરિટ્રિયા, નાઇજર અને નેપાળના રાજદૂતો તથા પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ગરબારસિકો અને નગરજનોની ઉપસ્થિતિએ મહોત્સવના પ્રારંભને ઉત્સાહભર્યો બનાવ્યો હતો.
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવવા, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા, પ્રવાસનને વેગ આપવા અને નાગરિકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬ રાજ્યની લોકસંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી માટે મહત્ત્વપૂર્ણ મંચ બની રહ્યો છે.









