દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બ્લોકનું આંદોલન હવે શેરીઓમાંથી દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયું છે. દેશભરના અગ્રણી વિપક્ષી નેતાઓની આગેવાનીમાં દિલ્હીમાં વિશાળ પ્રદર્શન યોજાયું હતું, જેની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ સામે એક મહત્ત્વપૂર્ણ જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં અનેક દિગ્ગજ નેતાઓ તથા તેમની સાથે હજારોની સંખ્યામાં લોકોએ પગપાળા કૂચ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં PIL સત્તાવાર રીતે રજિસ્ટર:
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી હવે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટર થઈ ચૂકી છે. આ અરજીમાં ચૂંટણી પ્રક્રિયા પર સીધા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે:
-
મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
-
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સામે કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે.
આ જાહેર હિતની અરજીમાં કુલ 11 અગ્રણી નેતાઓ અરજદાર તરીકે સામેલ છે, જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવ, ટીએમસી નેતા સૌગત રોય, શિવસેના(UBT) નેતા સંજય રાઉત, સીપીઆઇ(એમ) નેતા એમ. એ. બેબી તેમજ સીપીઆઇ નેતા ડી. રાજા સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધી સહિત વિપક્ષી ગઠબંધનના 8 અગ્રણી નેતાઓ સુપ્રીમ કોર્ટ તરફ પગપાળા કૂચ કરી રહ્યા છે. આ તમામ નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચીને વ્યક્તિગત રીતે પોતાની અરજી દાખલ કરશે.
આ વિરોધ પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ જોડાયા હતા. તેઓ દિલ્હીના ભગવાન દાસ રોડ પર ચાલી રહેલા આ પ્રદર્શનમાં સામેલ થયા હતા.
દિલ્હીના હૃદયસમા બારાખંભા રોડ પર દેશભરમાંથી પહોંચેલા કાર્યકરોનો વિશાળ જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દીધા છે.
આ વિરોધ કૂચ પહેલાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે I.N.D.I.A. બ્લોકના સાંસદોની અરજી/વિનંતીને અસ્વીકાર કરી દીધી હતી. જોકે, આ નકાર છતાં કોંગ્રેસે પીછેહઠ કરવાને બદલે સામાન્ય જનતા અને કાર્યકરોને માર્ચમાં જોડાવા ખુલ્લી અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અને વિપક્ષના તમામ સાંસદો સુપ્રીમ કોર્ટ જશે અને ચૂંટણી પ્રક્રિયા સામે વિધિવત અરજી દાખલ કરશે.
બીજી તરફ, આ રાજકીય ઘમસાણ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના આગેવાનો આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ તારીખ ફાળવવાની પોલીસ સમક્ષ માગણી કરી છે. સીજેપીએ દિલ્હી પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમને નિર્ધારિત તારીખ નહીં આપવામાં આવે, તો પક્ષ ફરી એકવાર મોટા પાયે પ્રદર્શનનું એલાન કરશે.











