Navsari : માત્ર રૂ. ૧૧ હજારના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ! નવસારી મનપાના ૬૦૦ થી વધુ કર્મચારીઓ હડતાલ પર

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

વીજળી, પાણી પુરવઠા, ડ્રેનેજ, ફાયર અને માઇનોર વિભાગના કર્મચારીઓનો વિરોધ; ૧૫થી ૨૦ વર્ષથી સેવા આપતા કર્મચારીઓએ પગાર વધારા સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરી

નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતાં હડતાળ પર ઉતર્યા છે. વીજ વિભાગ, પાણી પુરવઠા, ડ્રેનેજ વિભાગ, ફાયર વિભાગ અને માઇનોર વિભાગના કર્મચારીઓ કામથી અળગા રહેતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. હાલની મોંઘવારીમાં આખો મહિનો કામ કર્યા બાદ માત્ર રૂ. ૧૧,૦૦૦ જેટલો પગાર હાથમાં આવતો હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગ છે કે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેમના પગારમાં યોગ્ય વધારો કરવામાં આવે. કેટલાક કર્મચારીઓ ૧૫ વર્ષથી, તો કેટલાક ૨૦ વર્ષથી ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેમને કાયમી કરવામાં આવ્યા ન હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં મળતો ઓછો પગાર પરિવારના ભરણપોષણ માટે પૂરતો નથી. લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને નિયમો મુજબનું પગારધોરણ અને નોકરીમાં કાયમી કરવાની સુવિધા મળવી જોઈએ

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તહેવારોના સમયમાં હડતાળ પર ઉતરવાની તેમની કોઈ ઇચ્છા નથી. તેઓ પણ ઇચ્છતા નથી કે તેમની હડતાળને કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે, પરંતુ પોતાના પરિવારની જવાબદારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેમની પાસે વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

કર્મચારીઓએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવે, યોગ્ય પગારધોરણ નક્કી કરવામાં આવે અને વર્ષોથી સેવા આપતા કર્મચારીઓને કાયમી કરવા અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. જ્યારે નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓની હડતાળને પગલે હવે તંત્ર દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને લઈ વહીવટી તંત્ર વહેલી તકે બેઠક યોજી યોગ્ય ઉકેલ લાવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને યોગ્ય વેતન અને નોકરીની સુરક્ષા મળે તે જરૂરી છે. સાથે જ વીજળી, પાણી પુરવઠા, ડ્રેનેજ અને ફાયર જેવી આવશ્યક સેવાઓને અસર ન થાય તે માટે મહાનગરપાલિકાએ કર્મચારીઓ સાથે સંવાદ સાધી વહેલી તકે ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો