MORBI:મોરબીના પંચાસર રોડ પર બંધ કારખાનામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: 54 બાટલા, વાહનો સહિત ₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ઝડપાયા

મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે પંચાસર રોડ પર આવેલા એક બંધ કારખાનામાં દરોડો પાડીને ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 54 ગેસના બાટલા, વાહનો અને રોકડ સહિત કુલ ₹2.46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે પંચાસર રોડ પર ઉમિયા હોલ પાછળ આવેલી શેરીમાં એક બંધ પ્લાસ્ટિકના કારખાનામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ દ્વારા ઘરેલુ વપરાશના ઇન્ડેન ગેસના બાટલામાંથી અન્ય કોમર્શિયલ બાટલામાં ગેસ ભરવાનું જોખમી કામ ચાલી રહ્યું હતું.પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા:મનીષભાઈ ચૌહાણ (રહે. પટેલ શેરી, પવન ચોક, મોરબી) અશ્વિન મનીષભાઈ ચૌહાણ (રહે. પટેલ શેરી, પવન ચોક, મોરબી) અમીત પોપટભાઈ ચૌહાણ (રહે. પટેલ શેરી, પવન ચોક, મોરબી) પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રવીણ મનસુખભાઈ સારવા (રહે. શ્રમજીવી નગર, મોરબી) એ આ કારખાનું ભાડે રાખીને સાગરીતો મારફતે આ ગેરકાયદે નેટવર્ક ઊભું કર્યું હતું.₹2.46 લાખનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:ઇન્ડેન, રિલાયન્સ અને ભારત ગેસના ભરેલા તેમજ ખાલી 54 બાટલા,ગેસ રિફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર તથા પાઇપ,વજન માટેનો ડિજિટલ કાંટો ,છકડો રિક્ષા (GJ-03-T-5868) તથા એક્ટિવા (GJ-36-AQ-5984) ,3 નંગ મોબાઇલ ફોન અને ₹8,800 રોકડા(કુલ કિંમત: આશરે ₹2,46,500) ગ્રાહકો સાથે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી આરોપીઓ નફો રળવા માટે અત્યંત જોખમી પદ્ધતિ અપનાવતા હતા. ઘરેલુ વપરાશના પૂરા વજનવાળા બાટલામાંથી 2 થી 3 કિલો ગેસ ચોરી કરી કોમર્શિયલ બાટલામાં ભરતા હતા. ત્યારબાદ ઘરેલુ બાટલા પર પ્લાસ્ટિકનું ડુપ્લિકેટ સીલ લગાવી ગ્રાહકોને પધરાવી દઈ તેમની સાથે છેતરપિંડી આચરતા હતા.

પોલીસને સ્થળ પરથી ગ્રાહકોના 23 જેટલા બિલ અને હિસાબ-કિતાબ રાખેલા 2 ચોપડા મળી આવ્યા છે. પૂછપરછમાં એવો ચોંકાવનારો ધડાકો થયો છે કે મુખ્ય સૂત્રધાર પ્રવીણ સારવા ઇન્ડેન અને અન્ય કંપનીના બાટલા સ્થાનિક બે ગેસ એજન્સીઓ પાસેથી મેળવતો હતો. જેથી આ કૌભાંડમાં ગેસ એજન્સીના સંચાલકોની સંડોવણી અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.











