રિપોર્ટર માધવ મકવાણા લીમખેડા

પીપલોદ ગ્રામ પંચાયત ખાતે આજે યોજાયેલી સામાન્ય સભામાં એક નવો વિવાદ સામે આવ્યો છે. અગાઉથી સૂચના આપવા છતાં પણ પંચાયતના મોટાભાગના સભ્યો સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતમાં આવેલી અરજીઓ અને પ્રજાના કામોનો નિકાલ અટકી ન પડે તે માટે ચાલુ સરપંચ અને ગ્રામ પંચાયત તલાટી સભ્યોને ટેલિફોનિક સંપર્ક કરીને હાજર રહેવા માટે મજબૂર બન્યા હતા.
સરપંચના પૌત્રની સભામાં હાજરી બની ચર્ચાનો વિષય
મળતી માહિતી અનુસાર, સામાન્ય સભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ચાલુ સરપંચ આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં પોતાના પૌત્ર યોગેશભાઈ રમેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવવાના હોવાની ચર્ચા છે. તેવામાં આજે યોજાયેલી અધિકૃત ગ્રામ સભામાં તેઓ પોતાના પૌત્રને સાથે લઈને આવ્યા હતા.
ગામમાં અને સભ્યોમાં ચર્ચાની એરણે તલાટીની કામગીરી
મળતી માહિતી મુજબ, સરકારી અને પંચાયતી કામગીરી વચ્ચે સરપંચના પૌત્રની ગ્રામ સભામાં હાજરીને લઈને પંચાયતના ચાલુ સભ્યો અને ગ્રામજનોમાં ભારે ચર્ચા જાગી છે. તલાટીની હાજરીમાં જ આ પ્રકારે બિનઅધિકૃત વ્યક્તિની બેઠકમાં હાજરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે ગામમાં અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.









