એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સરકારી ડેન્ટલ કોલેજના ડૉ.ધારા રાણાએ બ્રોન્ઝ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સરકારી ડેન્ટલ કોલેજના ડૉ.ધારા રાણાએ બ્રોન્ઝ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

બેંગલુરુ ખાતે આયોજિત સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના પ૩ દેશોના ૧,૩૦૦થી વધુ માસ્ટર્સ સ્વિમર્સે થયા હતા સહભાગી

વ્યવસાયિક જવાબદારીઓ સાથે રમતગમતમાં મેળવેલી સફળતાથી ડૉ. ધારા મહિલા તથા યુવાઓ માટે બન્યા પ્રેરણાસ્રોત

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૧૪, જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ. ધારા રાણાએ બેંગલુરુ ખાતે યોજાયેલી ૨જી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

સ્વિમિંગ ફેડરેશન દ્વારા ૪ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન બેંગલુરુના સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે આયોજિત આ સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના પ૩ દેશોમાંથી ૨૫ થી ૮૦ વર્ષથી વધુ વયના ૧,૩૦૦થી વધુ માસ્ટર્સ સ્વિમર્સે ભાગ લીધો હતો.

ડૉ. ધારા રાણા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર હોવા ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી સ્વિમિંગ ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ નેશનલ સ્વિમર, ઓપન વોટર સ્વિમર હોવાની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંગલુરુના એન.આઈ.એસ. સર્ટિફિકેટ કોર્સ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણિત સ્વિમિંગ કોચ તરીકે પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તેમણે આ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં એ.આઈ.સી.એસ. ૨૦૨૩ અને ૨૦૨૫માં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ૫ કિલોમીટર ઓપન-વોટર દરિયાઈ સ્વિમિંગની ઓપન એજ વુમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને તેમણે પોતાની અદ્ભુત પ્રતિભા અને શારીરિક શક્તિનો પરિચય આપ્યો હતો.

ડૉ. ધારા રાણા નિયમિતપણે જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગનો અભ્યાસ અને કઠોર તાલીમ મેળવે છે. પોતાની રમત પ્રત્યેની નિષ્ઠાની સાથે તેઓ જામનગરની દીકરીઓને વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ માટે માનદ માર્ગદર્શન અને તાલીમ સંબંધિત સહાય પણ પૂરી પાડે છે, જેનાથી અનેક યુવતીઓને સ્વિમિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરની આ શાનદાર સિદ્ધિ તેમની અથાગ મહેનત, સતત તાલીમ, શિસ્ત અને વ્યવસાયિક જવાબદારીઓ સાથે રમતગમત પ્રત્યેના સમર્પણનું ઉત્તમ પરિણામ છે.વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત રહીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તેમની આ સફળ યાત્રા જામનગરની મહિલાઓ અને નવી પેઢી માટે એક નવી પ્રેરણાદાયી મિસાલ બની રહી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો