MORBI -GETCOની લાલિયાવાડી: ઉદ્યોગો ઝળહળ્યા અને નવરાત્રિમાં મોરબીના ગામડાં અંધારામાં ડૂબ્યા!

MORBI -GETCOની લાલિયાવાડી: ઉદ્યોગો ઝળહળ્યા અને નવરાત્રિમાં મોરબીના ગામડાં અંધારામાં ડૂબ્યા!

ઉદ્યોગો માટે 24 કલાક વીજળી અને ગામડાઓ માટે માત્ર ઠાલા વચનો? મેન્ટેનન્સના નામે ચાલતી ઉઘાડી મજાક સામે જનઆક્રોશ ચરમસીમાએ

મોરબી:વીજળીનું સમયસર બિલ ન ભરાય તો સામાન્ય ગ્રાહક પર પેનલ્ટી ઠોકી બેસાડતું અને તુરંત વીજ કનેક્શન કાપી નાખતું PGVCL અને ટ્રાન્સમિશનનું સંચાલન કરતી GETCO કંપની મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવ કાગળ પર ચાલતી હોય તેવો ચોંકાવનારો ઘાટ સર્જાયો છે.

જ્યોતિગ્રામ યોજના (JGY) હેઠળ અવિરત વીજળી આપવાના બણગાં ફૂંકતું વીજ તંત્ર હાલ મોરબી જિલ્લાના ગામડાઓમાં વીજ પુરવઠો જાળવવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. અડધો ડઝન જેટલા સબ ડિવિઝનોમાં રોજિંદા કલાકો સુધી સર્જાતા અંધારપટથી પ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.*

તહેવારોમાં શેરી ગરબા રોળાયા, ઉદ્યોગો ધમધમે અને ગામડાઓ અંધારામાં ડૂબ્યા!હાલ સમગ્ર રાજ્ય જ્યારે આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ઉજવણીમાં લીન છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારા, મોરબી ગ્રામ્ય, વીરપર સહિતના વિસ્તારોના મોટા ભાગના ગામડાઓમાં અંધારપટ છવાઈ જતાં શેરી ગરબાના આયોજનો ખોરવાઈ ગયા છે.

 

સૌથી ગંભીર અને ભેદભાવપૂર્ણ બાબત એ છે કે ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રીયલ લાઈનોમાં વીજ પુરવઠો અવિરત ચાલુ રહે છે, જ્યારે સામાન્ય પ્રજા અને ખેડૂતોના ઘરોમાં કલાકો સુધી લાઈટો ગુલ થઈ જાય છે. વીજ તંત્રના આ ઓરમાયા વર્તનથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અગાઉથી રજૂઆત છતાં ઘોર બેદરકારી વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા દ્વારા નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ તંત્રને લેખિત-મૌખિક રજૂઆત કરી વીજ પુરવઠો નિયમિત રાખવા ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં, કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રે આ રજૂઆતને કચરાટોપલીમાં પધરાવી દીધી. વીજળી ગુલ થતાં જ જ્યારે ગ્રાહકો સબ ડિવિઝન કચેરીઓ કે ફોલ્ટ સેન્ટર પર ફોન લગાવે છે, ત્યારે કાં તો રિસીવર બાજુ પર મૂકી દેવાય છે અથવા કોઈ અધિકારી ફોન ઉપાડવાની તસદી પણ લેતા નથી. કલાકો સુધી લાઈન ક્યારે આવશે તેની કોઈ સત્તાવાર માહિતી મળતી નથી

મેન્ટેનન્સના નામે માત્ર નાટક, વસૂલાતમાં ‘વાઘ’ અને સેવામાં ‘ઝીરો’PGVCL અને GETCO દ્વારા અવારનવાર ફીડર મેન્ટેનન્સ, લાઇન શિફ્ટિંગ અને નવા પોલ ઊભા કરવાના નામે આડેધડ પાવરકાપ ઝીંકી દેવામાં આવે છે. જો દર મહિને મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજળી કાપવામાં આવતી હોય, તો પછી સામાન્ય પવન કે સામાન્ય દિવસોમાં પણ વારંવાર લાઈનો કેમ ટ્રીપ થઈ જાય છે? ગ્રાહકો સવાલ કરી રહ્યા છે કે જો બિલ મોડું ભરવા બદલ દંડ વસૂલવામાં તંત્રને ક્ષણભરનો પણ સંકોચ ન થતો હોય, તો અઠવાડિયાઓથી પ્રજાને અંધારામાં ધકેલી હેરાન કરવા બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં કેમ નહીં?

તહેવારોના સમયે જ ગામડાઓની જનતાને બાનમાં લેતા વીજ તંત્રની આ ઉદાસીનતા સામે હવે ગ્રામજનો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.ફરિયાદોના ધોધ છતાં મૂકપ્રેક્ષક બનેલું તંત્ર ક્યારે સફાળું જાગશે કે પછી મોરબીના ગામડાઓ આમ જ અંધકારમાં સબડતા રહેશે તે જોવું રહ્યું.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો