MORBI:મોરબી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના સેલેરી એકાઉન્ટ માટે એક્સિસ બેંક સાથે MOU સંપન્ન

શિક્ષકોને સેલેરી પેકેજમાં અઢળક લાભો મળશે; જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષક સંગઠનોની ઉપસ્થિતિમાં મહત્વનો નિર્ણય
મોરબી જિલ્લો તથા તાલુકા કક્ષાની સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિતપણે બેંક મારફત ચૂકવાય છે. છેલ્લા થોડા સમયથી વિવિધ બેંકો દ્વારા સેલેરી એકાઉન્ટ અંતર્ગત આકર્ષક સ્કીમ અને વિશિષ્ટ પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા હતા. શિક્ષકોને સેલેરી એકાઉન્ટના મહત્તમ લાભો મળી રહે તે હેતુથી એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શિક્ષકોના તમામ સંગઠનોના પ્રમુખો, મહામંત્રીઓ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેંક તરફથી સર્કલ હેડ રૂઝબે પોસ્ટવાલા, ક્લસ્ટર હેડ પંકજભાઈ શંખરવા, એરિયા સેલેરી હેડ અવનીશભાઈ વોરા, સેલ્સ મેનેજર કમલેશભાઈ ચારોલા, બ્રાન્ચ હેડ બિજેશભાઈ ચૌહાણ, સેલેરી સેલ્સ મેનેજર ધવલભાઈ જોશી તેમજ સેલેરી એક્ઝિક્યુટિવ મયંકભાઈ લાલવાણી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ઉપસ્થિત બેંક અધિકારીઓએ સેલેરી પેકેજ, વીમા કવચ તથા અન્ય નાણાકીય સુવિધાઓ અંગે વિગતવાર રજૂઆત કરી વિસ્તૃત સમજૂતી આપી હતી. વિવિધ સ્કીમોની સમીક્ષા બાદ એક્સિસ બેંક દ્વારા શિક્ષકોને સૌથી વધુ ફાયદાકારક પેકેજ અને અઢળક લાભો પૂરા પાડવામાં આવતા હોવાનું જણાતાં, સર્વાનુમતે એક્સિસ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સંદર્ભે બંને પક્ષો વચ્ચે ઔપચારિક એમ.ઓ.યુ. (MOU) કરવામાં આવ્યા હતા, જેનાથી જિલ્લાના સેંકડો શિક્ષકોને ઉત્કૃષ્ટ બેંકિંગ સેવાઓ અને વિશેષ લાભો પ્રાપ્ત થશે.













