MORBI:મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ: ત્રીજા દિવસે દેશના ૩ અમર શહીદોના પરિવારોને ₹૧-૧ લાખની આર્થિક સહાય અર્પણ કરી અનોખી દેશભક્તિ દાખવી

અહીં ચાલી રહેલા ભવ્ય ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’ના ત્રીજા દિવસે માં આદ્યશક્તિની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો એક અનેરો અને ભાવુક માહોલ જોવા મળ્યો હતો. મહોત્સવ સમિતિ દ્વારા માં ભારતીની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા દેશના ૩ અમર શહીદ જવાનોના પરિવારોને રૂપિયા ૧-૧ લાખના ચેક અર્પણ કરી માં ભારતીનું ઋણ ચૂકવવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંચ પરથી નીચે મુજબના અમર શહીદોના પરિવારોનું વિશિષ્ટ સન્માન કરી તેમને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી:
શહીદ જવાન નિર્મલસિંઘ (જમ્મુ-કાશ્મીર) – ₹૧,૦૦,૦૦૦નો ચેક શહીદ જવાન રંજીતસિંગ (ડોડા, જમ્મુ) – ₹૧,૦૦,૦૦૦નો ચેક શહીદ જવાન ગણેશ પરમાર (મોરબી, ગુજરાત) – ₹૧,૦૦,૦૦૦નો ચેક
આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ઊભા થઈને શહીદોની વીરતા અને ત્યાગને નમન કર્યા હતા. આખું ગ્રાઉન્ડ “ભારત માતા કી જય” અને “અમર શહીદો અમર રહો”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.

આયોજકોએ આ તકે જણાવ્યું હતું કે, “આપણા જવાનો સરહદ પર જાગે છે ત્યારે જ દેશવાસીઓ શાંતિ અને ઉત્સાહથી તહેવારો ઉજવી શકે છે. તહેવારના આનંદ સાથે શહીદ પરિવારોની પડખે ઊભા રહેવું એ આપણી નૈતિક ફરજ છે.”પાટીદાર નવરાત્રી મહોત્સવના આ દેશપ્રેમસભર પગલાંને સમગ્ર સમાજ અને ઉપસ્થિત ખેલૈયાઓએ ભાવપૂર્વક બિરદાવ્યું હતું.













